Vadodara : પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની મોસમ શરૂ થઈ છે. જેમાં સૌપ્રથમ માતા દશામા અને ત્યારબાદ ગણેશ મહોત્સવમાં મૂર્તિ વિસર્જન અંગે શહેરની મધ્યમાં આવેલા નવલખી કૃત્રિમ તળાવનું કામકાજ શરૂ કરવા માગ ઉઠી છે.
આગામી દિવસોમાં હાલ ઉજવાઈ રહેલા માં દશામા મૂર્તિ વિસર્જન બાદ ગણેશ મહોત્સવ શરૂ થાય છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ નવલખી કૃત્રિમ તળાવનું કામકાજ શરૂ કરવામાં માંગ થઈ છે. આ મૂર્તિ વિસર્જન પછી શ્રીજી મૂર્તિ વિસર્જન પણ કરાશે. જે પૈકી આયોજકો દ્વારા મોટી મૂર્તિઓનું વિસર્જન નવલખી કૃત્રિમ તળાવમાં કરવામાં આવે છે. જેથી આયોજકોને કોઈ મુશ્કેલી ના પડે એ અંગે નવલખી કૃત્રિમ તળાવની સાફ સફાઈ સહિત અન્ય કાર્યવાહી મુદ્દે કોર્પોરેટર બાળુ સુર્વેએ મ્યુ.કમિશનરને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધના ધોરણે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે. આગામી 1 થી બે દિવસમાં દશામાં મૂર્તિ વિસર્જન થશે તેમ છતાં પણ હજી સુધી નવલખી કૃત્રિમ તળાવ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના મોટા મોટા શ્રીજી વિસર્જન નવલખી કૃત્રિમ તળાવમાં કરવામાં આવે છે. છતાં પણ કૃત્રિમ તળાવની હજી સફાઈ કરાઈ નથી. સફાઈ કરવામાં કેટલાય દિવસો વ્યતીત થશે. ઉપરાંત તળાવની આસપાસ લાઈટના ટાવરો પણ બાકી છે અને બોરિંગનું કામ પણ હજી થયું નથી. આ ઉપરાંત રોડનું કારપેટિંગ કરવાનું હજી બાકી છે. શ્રીજી મહોત્સવ ધામધૂમથી ઉજવાતો હોવાની જાણ છતાં પણ તંત્ર દ્વારા એડવાન્સમાં કૃત્રિમ તળાવની કામગીરી શરૂ કરવાની જગ્યાએ હજી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી. આવી કામગીરી કરવામાં મહિનાઓનો સમય લાગતો હોવાનું પત્રમાં કોર્પોરેટરે જણાવી તંત્ર વહેલી તકે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે તેવી માગ કરી છે.