અમદાવાદ, શુક્રવાર 
હાંસોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી પોલીસે અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતું કોલસેન્ટર પકડી પાડીને બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ નાગરિકોને લોન મંજૂર થઇ ગઇ છે તેનો ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર આપવા પડશે કહીને ઠગાઇ આચરતા હતા. આ અંગે એરપોર્ટ પોલીસે બે શખ્સો સામે ગુનો નોધીને કમ્યુટર સહીતના સાધનો કબજે કરી વધુ તપાસ શરૃ કરી છે.
અમેરિકન નાગરિકોના ડેટા મેળવીને મેસેજ કરી ફોન કરી વિશ્વાસ કેળવી ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા કરાવતા ઃ એરપોર્ટ પોલીસે બેની ધરપકડ કરી
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, એચ.ડી.પુરોહિતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સરદારનગરમાં હાંસોલ પાસે રાધે રેસિડેન્સીમા રહેતા ચિરાગ અને અક્ષય સામે ફરિયાદ નોધાવી છે કે એરપોર્ટ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, હાંસોલ રાઘે રેસીડન્સી ફ્લેટમાં કેટલાક લોકો ગુગલ વોઇસ સોફ્ટવેરના માધ્યમથી કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડયો હતો. જ્યાં બે કોમ્પ્યુર, લેપટોપ, મોબાઇલ ફોન, હેડ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી.
પોલીસે તપાસ કરતા આરોપીઓ ખોટા નામ ધારણ કરી અને ઇ-મેઇલ બનાવ્યા હતા. ત્યારબાદ તેઓ અમેરિકા રહેતા લોકોને કોલ કરી તમારી લોન પાસ થઇ ગઇ છે. જેનો ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર ચુકવવા પડશે તેમ કહી ગિફ્ટ વાઉચરના નંબર મેળવી ઠગાઇ આચરતા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને બે આરોપીની ધરપકડ કરીને આરોપીઓ સાથે કોણ કોણ સંડોવાયેલું છે, કેટલા સમયથી આ ગોરખધંધા કરતા હતા અને આરોપીઓને ડેટા કોણ પૂરા પાડતું હતું તે સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.










