Crude Oil Price: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન અને રશિયા યુદ્ધને લઈને રશિયા પર દરેક રીતે દબાણ કરી રહ્યા છે. તેણે રશિયા નજીક બે પરમાણુ સબમરીન તહેનાત કરી છે. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત પર ટેરિફ અને દંડની જાહેરાત કરી કારણ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ અને હથિયારો ખરીદે છે.
અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પર વેપાર પ્રતિબંધો લાદવા જઈ રહ્યા છે. આ મામલે નિષ્ણાતોનું કહે છે કે ટ્રમ્પ દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી ક્રૂડના ભાવમાં વધારો થઈ શકે છે. આ ભાવ પ્રતિ બેરલ 120 ડૉલર સુધી પહોંચી શકે છે.
સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ક્રૂડ ઓઇલના ભાવ કેટલા રહેશે?
નિષ્ણાતોનું માનવું છે કે, બ્રેન્ટ ઓઇલના ભાવ ઑક્ટોબર 2025 સુધીમાં પ્રતિ બેરલ 76 ડૉલર છે, જે 2025ના અંત સુધીમાં 82 ડૉલર સુધી પહોંચી શકે છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 69.65 ડૉલરથી વધીને 76-79 ડૉલર થઈ શકે છે.’ નોંધનીય છે કે, ટ્રમ્પ દ્વારા રશિયા સાથે વેપાર ચાલુ રાખનારા દેશો પર નવા પ્રતિબંધો અને 100 ટકા ટેરિફની જાહેરાતને કારણે આ ચિંતા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં, રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા દેશો સીધી અસર પામી શકે છે.
ભારત પર શું અસર પડશે?
રશિયા વૈશ્વિક અર્થતંત્રમાં દરરોજ 50 લાખ બેરલ ક્રૂડ નિકાસ કરે છે. જો આ પ્રવાહ તૂટી જાય તો ક્રૂડ ઓઇલની કિંમત 100થી 120 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ભારત રશિયાથી 35થી 50 ટકા ક્રૂડ આયાત કરે છે, તેથી ભાવ વધારાથી ભારત પર પણ અસર પડશે. 40થી વધુ દેશોમાંથી પુરવઠાને કારણે ભારતને પુરવઠાની અછતનો સામનો કરવો પડશે નહીં, પરંતુ ગ્રાહક ભાવમાં વધારો થઈ શકે છે.
ભારતની રિફાઇનરી કંપનીઓ રશિયાના ક્રૂડ પર આધાર રાખે છે, જેણે 2022થી સ્થાનિક ફુગાવાને સંતુલિત કરવામાં મદદ કરી છે. જો આ ભારતીય કંપનીઓ પ્રતિબંધ પછી પણ આયાત કરે છે, તો તેને દંડ અને ઊંચા ટેરિફનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે ઘણી વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
આ વસ્તુઓ મોંઘી થઈ શકે છે?
• પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ પર અસર થશે.
•શાકભાજી, ફળો, દૂધ અને ખાદ્ય પદાર્થો પણ મોંઘા થઈ શકે છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સાથે પરિવહન ખર્ચ પણ વધે છે.
•પ્લાસ્ટિક, કેમિકલ, સિમેન્ટ, સ્ટીલ અને અન્ય ઉદ્યોગોમાં વધતા ખર્ચથી બાંધકામ, ઈલેક્ટ્રોનિક્સ અને કાપડ ઉદ્યોગો પર અસર પડશે.
•બસ, ટ્રક, ઓટો અને ટેક્સીના ભાડા વધી શકે છે અને ઈ-કોમર્સ ડિલિવરી પણ મોંઘી થઈ શકે છે.