મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ૧બી વીઝા માટે વન ટાઈમ એક લાખ ડોલર ફી લાગુ કરીને ભારત સહિતના આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગને નિશાન બનાવ્યા બાદ ધારણા મુજબ હવે હેલ્થકેર-ફાર્મા ઉદ્યોગને ટાર્ગેટ કરીને ફાર્મા આયાત પર ૧૦૦ ટકા ટેરિફનું શસ્ત્ર ઉગામતા આજે વૈશ્વિક બજારોથી વિશેષ ભારતીય શેર બજારોમાં શેરોમાં સાર્વત્રિક મંદીનો કડાકો બોલાઈ ગયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેર બજારોમાંથી સતત એક્ઝિટ ચાલુ રહી આજે પણ મોટાપાયે હેમરિંગ કરીને ગાબડાં પાડયા હતા. હેલ્થકેર શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં વ્યાપક ધોવાણ થયું હતું. સેન્સેક્સ ૭૩૩.૨૨ પોઈન્ટ તૂટીને ૮૦૪૨૬.૪૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૩૬.૧૫ પોઈન્ટ તૂટીને ૨૪૬૫૪.૭૦ બંધ રહ્યા હતા.
હેલ્થકેર ઈન્ડેક્સ ૯૪૧ તૂટયો : વોખાર્ટ રૂ.૧૩૮ તૂટી રૂ.૧૩૩૫ : જગસન ફાર્મા, ન્યુલેન્ડ લેબ. તૂટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ટ્રમ્પના ટેરિફ નિર્ણયે સાર્વિત્રિક ગાબડાં પડયા હતા. ભારતની ઘણી કંપનીઓ દ્વારા અમેરિકામાં દવાની નિકાસ થઈ રહી હોઈ આ કંપનીઓની કામગીરી કથળવાની શકયતાએ ફંડો સાવચેતીમાં શેરો ખંખેરવા લાગ્યા હતા. વોખાર્ટ રૂ.૧૩૮.૬૦ તૂટીને રૂ.૧૩૩૫.૪૫, જગસન ફાર્મા રૂ.૨૦.૫૦ તૂટીને રૂ.૨૧૪.૪૫, સોલારા રૂ.૫૬.૨૦ તૂટીને રૂ.૬૧૬.૮૫, થેમીસ મેડી રૂ.૧૦.૫૪ તૂટીને રૂ.૧૩૧.૮૪, આરતી ડ્રગ્ઝ રૂ.૩૬.૪૦ તૂટીને રૂ.૪૭૦, લૌરસ લેબ. રૂ.૬૩.૨૦ તૂટીને રૂ.૮૩૨.૭૦, થાયરોકેર રૂ.૭૮.૩૫ તૂટીને રૂ.૧૧૨૧.૭૦, ન્યુલેન્ડ લેબ. રૂ.૮૬૧.૩૫ તૂટીને રૂ.૧૩,૯૫૪.૪૫, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૨૮૫.૪૫, બાયોકોન રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૩૩૯, બજાજ હેલ્થકેર રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૪૭૨.૪૦, કોપરાન રૂ.૭.૨૫ ઘટીને રૂ.૧૭૩.૫૫, આરપીજી લાઈફ રૂ.૯૪.૪૫ ઘટીને રૂ.૨૩૦૩.૩૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૯૪૧.૨૯ પોઈન્ટ તૂટીને ૪૩૦૪૬.૬૯ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૩૯૪ પોઈન્ટ ગબડયો : પીજી ઈલેક્ટ્રો રૂ.૨૫ તૂટી રૂ.૫૧૪ : ડિક્સન રૂ.૬૮૩ તૂટયો
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, મહારતીઓએ મોટું ઓફલોડિંગ કરતાં કડાકો બોલાયો હતો. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૫.૨૫ તૂટીને રૂ.૫૧૪.૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૬૮૩.૮૦ તૂટીને રૂ.૧૭,૫૦૮.૭૫, અંબર રૂ.૩૦૦.૬૦ તૂટીને રૂ.૮૧૩૯.૪૫, એશીયન પેઈન્ટ રૂ.૬૦.૪૫ ઘટીને રૂ.૨૩૪૨.૫૦, વોલ્ટાસ રૂ.૩૨.૦૫ ઘટીને રૂ.૧૩૩૯.૭૦, ક્રોમ્પ્ટન રૂ.૬.૬૦ ઘટીને રૂ.૨૯૨.૭૦, બ્લુ સ્ટાર રૂ.૪૦.૭૦ ઘટીને રૂ.૧૮૮૬.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૩૯૩.૮૫ પોઈન્ટ તૂટીને ૫૮૧૧૧૮.૮૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૩૬ તૂટયો : એલએમડબલ્યુ રૂ.૬૫૭, અપાર રૂ.૩૬૬, મઝગાંવ રૂ.૯૫ ગબડયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ અમેરિકાની ટેરિફ નીતિ અને રીન્યુએબલ એનજીૅ મામલે કડક વલણને લઈ ફંડો, ખેલંદાઓ સતત ધૂમ વેચવાલ રહ્યા હતા. એલએમડબલ્યુ રૂ.૬૫૭.૪૦ તૂટીને રૂ.૧૪,૬૩૬.૩૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૬૬.૪૦ તૂટીને રૂ.૮૩૫૫.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૫૯.૦૫ તૂટીને રૂ.૧૪૯૭.૮૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૪.૧૫ ઘટીને રૂ.૯૧૫, મઝગાંવ ડોક રૂ.૯૪.૯૫ તૂટીને રૂ.૨૮૨૯.૨૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૩૦.૩૦ ઘટીને રૂ.૯૧૯.૩૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૩૪૮.૫૦, કોચીન શિપ રૂ.૫૨.૪૫ ઘટીને રૂ.૧૮૭૩.૫૦, સીજી પાવર રૂ.૧૯.૬૫ ઘટીને રૂ.૭૩૯.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૩૬.૪૪ પોઈન્ટ તૂટીને ૬૮૩૪૫.૯૪ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૮૨૨ પોઈન્ટ તૂટયો : ઈન્ટેલેક્ટ, એએસએમ, ઓરેકલ, કેલટોન, જેનેસીસ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓને ટ્રમ્પના એચ૧બી વીઝા ફીને કારણે નેગેટીવ અસર થવાના અને કામગીરી કથળવાના અંદાજોએ ફંડોએ અવિરત વેચવાલી ચાલુ રાખી હતી. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૭૨.૨૦ તૂટીને રૂ.૯૮૫.૯૫, એએસએમ ટેકનોલોજી રૂ.૨૧૭.૮૫ તૂટીને રૂ.૪૧૩૯.૯૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૯૪.૮૫ તૂટીને રૂ.૮૫૧૭.૮૫, કેલ્ટોન ટેકનોલોજી રૂ.૧.૦૮ ઘટીને રૂ.૨૩.૯૩, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૨૨.૨૫ ઘટીને રૂ.૫૦૬.૯૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૭.૬૫ તૂટીને રૂ.૬૯૩.૦૫, નેલ્કો રૂ.૩૧.૫૫ તૂટીને રૂ.૮૫૮.૬૦, કોફોર્જ રૂ.૫૧.૫૫ તૂટીને રૂ.૧૫૩૯.૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૨૨.૫૫ પોઈન્ટ ગબડીને ૩૩૩૨૭ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું : સેઈલ, હિન્દુસ્તાન ઝિંક, વેદાન્તા, ટાટા સ્ટીલ, નાલ્કો ઘટયા
મેટલ-માઈનીંગ ક્ષેત્રે પણ ટ્રમ્પના ટેરિફ પગલાંની ધારણાએ ફરી મોટા ગાબડાં પડવા લાગ્યા હતા. સેઈલ રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૩૧.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૪૪૮.૯૫, વેદાન્તા રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૪૪૭.૯૦, ટાટા સ્ટીલ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૧૬૭.૪૫, લોઈડ્સ મેટલ રૂ.૨૯.૮૫ ઘટીને રૂ.૧૨૪૬.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૩૦ ઘટીને રૂ.૧૦૨૯.૬૦, એનએમડીસી રૂ.૧.૩૬ ઘટીને રૂ.૭૪.૯૯, એપીએલ અપોલો રૂ.૨૭.૦૫ ઘટીને રૂ.૧૬૬૦.૭૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૧.૯૦ ઘટીને રૂ.૨૫૪૩.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૩૬.૦૨ પોઈન્ટ તૂટીને ૩૨૭૫૯.૭૩ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ : ઈન્ડસઈન્ડ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ ઘટયા
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ ફંડોની વેચવાલી આજે વધતી જોવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૭.૭૦ તૂટીને રૂ.૭૧૨.૮૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૩૮ ઘટીને રૂ.૬૮.૬૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૧૫ ઘટીને રૂ.૨૪૮.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૧૩૬૦.૭૫, એક્સિસ બેંક રૂ.૧૨.૨૫ ઘટીને રૂ.૧૧૫૩.૭૫ રહ્યા હતા. આ સાથે પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૨૩૨.૫૫ તૂટીને રૂ.૨૫૫૩.૧૫, ડેમ કેપિટલ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૨૩૭.૫૦, એડલવેઈઝ રૂ.૬.૩૦ ઘટીને રૂ.૧૦૯.૨૦, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૨૭૩.૮૦, પીએનબી હાઉસીંગ રૂ.૪૩.૧૦ ઘટીને રૂ.૮૬૪.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૬૭.૭૧ પોઈન્ટ તૂટીને ૬૧૩૯૮.૨૬ બંધ રહ્યો હતો.
તહેવારોની સીઝનમાં ઓટો શેરોમાં ગાબડાં : મહિન્દ્રા રૂ.૧૩૧ તૂટીને રૂ.૩૩૯૭ : હ્યુન્ડાઈ, ઉનો મિન્ડા તૂટયા
તહેવારોની સીઝન અને જીએસટી દરોમાં ઘટાડો થતાં ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા વાહનોના ભાવમાં ડિસ્કાઉન્ટ ઓફર છતાં વાહનોની માંગ અપેક્ષિત નહીં હોવાના અહેવાલ વચ્ચે આજે સતત ઓટો શેરોમાં ગાબડાં પડયા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૩૦.૬૫ તૂટીને રૂ.૩૩૯૭.૧૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૩૭.૬૦ તૂટીને રૂ.૧૨૬૭.૩૫, અપોલો ટાયર રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૪૭૯.૯૫, ભારત ફોર્જ રૂ.૨૬.૩૦ તૂટીને રૂ.૧૧૮૧, બજાજ ઓટો રૂ.૧૩૨.૧૫ ઘટીને રૂ.૮૭૦૭.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૬૭.૮૪ પોઈન્ટ ગબડીને ૫૯૧૫૧.૭૨ બંધ રહ્યો હતો.
અત્ર, તત્ર, સર્વત્ર સ્મોલ, મિડ કેપ શેરોમાં ધબડકો : માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૩૨૦૮ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જવાની સાથે અત્ર, તત્ર, સર્વત્ર સ્મોલ,મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલી નીકળતાં ઓછા વોલ્યુમે અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૮૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૪૫ અને ઘટનારની સંખ્યા ૩૨૦૮ રહી હતી.હતા.
FPIs/FIIની રૂ.૫૬૮૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૮૪૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૫૬૮૭.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૭૫૧.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૪૩૮.૯૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૫૮૪૩.૨૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૭૬૬.૬૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૨૩.૪૬ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૮૦ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૫૦.૫૫ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૮૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૦.૫૫ લાખ કરોડ રહ્યું હતું.