અમદાવાદ,શનિવાર
ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષ વિદ્યાની પોસ્ટ મુકીને પ્રેમ સંબધથી માંડી ધંધાકીય પ્રશ્નોના નિવારણની ખાતરી આપીને ઓનલાઇન છેતરપિંડી કરનાર યુવકને ખાડિયા પોલીસે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે તેના બેંક એકાઉન્ટમાં એક જ વર્ષમાં ૫૦ લાખથી વધુ નાણાં ઓનલાઇન જ્યોતિષ ફી નામે આવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના સારંગપુર વિસ્તારમાં રહેતો યુવક લગ્ન થતા ન હોવાથી ત ચિંતિત હતો. તેને ઇન્સ્ટાગ્રામ પર એક જ્યોતિષની પોસ્ટ જોવા મળી હતી. જેમાં લગ્નની સમસ્યાનું સમાધાન કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી. જેથી યુવકે પોસ્ટમાં જણાવેલા નંબર પર કોલ કરતા વિનોદ જોષી નામના વ્યક્તિએ વાત કરી હતી. તેણે લગ્ન માટેની સમસ્યાનું સમાધાન કરાવી આપવાનું કહીને પહેલા એક હજારની ફી ઓનલાઇન લીધી હતી.
ત્યારબાદ તાંત્રિક વિધીના નામે અલગ અલગ સમયે કુલ છ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે ખાડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે ભાટિયાએ ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરીને બાપુનગર ચંદ્રભાગા સોસાયટીમાં રહેતા વિનોદ જોષી નામના યુવકની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોભામણી જાહેરાત આપીને લોકો છેતરીને નાણાં પડાવતો હતો. તેના બેંક એકાઉન્ટમાં ૨૦૨૪ દરમિયાન ૫૦ લાખથી વધુ રકમ ઓનલાઇન જમા થઇ હતી.
એટલું જ નહી તે લોકોને વિશ્વાસમાં લેવા માટે તેના મિત્રોની મદદ લઇને એક વિડીયો બનાવતો હતો. જેમાં તેના મિત્ર વિદેશમાં હોય અને તેણે વિનોદ જોષીની મદદથી પ્રશ્નનું નિરાકરણ મેળવ્યું હોય તેવો દાવો કરવામાં આવતો હતો. જેથી લોકો તેના પર આસાનીથી વિશ્વાસ કરતા હતા. આ અંગે ખાડિયા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.