Vadodara hit And Run : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ઇજાગ્રસ્ત દંપતિની ફરિયાદને આધારે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
હોળીને દિવસે આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે બેફામ કાર હંકારતા રક્ષિત ચોરસીયાએ આઠ જણાને અડફેટમાં લીધા હોવાના બનાવ બાદ કારેલીબાગથી નાગરવાડા જતા સલાટ વાડા નાળા પાસે ગઈકાલે બપોરે હીટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો હતો.
હરણી રોડની ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવનગાળતા કનુભાઈ કાયસ્થે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે બપોરે હું મારી પત્નીને લઈ બહુચરાજી મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી સ્કૂટર ઉપર ખરીદી કરવા અમે સીટીમાં જતા હતા ત્યારે સલાટવાડા નાળા પાસે એક કાર ચાલકે અમને અડફેટમાં લેતા અમે બંને જણા રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ઇજાઓ થઈ હતી.
ઉપરોક્ત બનાવ બાદ કારચાલક થોડે દૂર ઊભો રહ્યો હતો પરંતુ તરત જ ભાગી છૂટ્યો હતો. જેથી તેનો નંબર નોંધી લીધો હતો. આ પૈકી પત્નીને માથામાં ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કારેલીબાગ પોલીસે કાર નંબરને આધારે તેમજ સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.