વધારાના સામાનનો ચાર્જ માગવામાં આવતા અધિકારી ઉશ્કેરાયા
કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવા પડયા, મંત્રાલય યોગ્ય કાર્યવાહી કરે : સ્પાઇસજેટ
કાશ્મીરના સ્થાનિક પક્ષોએ અધિકારી સામે પગલા લેવા માગણી કરી, હવાઇ મુસાફરી પર પ્રતિબંધની શક્યતા
નવી દિલ્હી: શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઇસજેટની એક ફ્લાઇટના બોર્ડિંગ ગેટ પર સૈન્યના એક અધિકારી અને સ્પાઇસજેટના કર્મચારીઓ વચ્ચે વિવાદનો વીડિયો વાયરલ થયો છે. બન્ને વચ્ચે બોલાચાલી બાદ સૈન્ય અધિકારીએ કાબુ ગુમાવી દીધો હતો અને એરલાઇન્સના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. ફ્લાઇટમાં વધારાનો સામાન લઇ જવા મુદ્દે વિવાદ થયો હોવાના અહેવાલો છે. સ્પાઇસજેટના જણાવ્યા મુજબ મારપીટને કારણે તેમના કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી છે.
સ્પાઇસજેટે વધુમાં જણાવ્યું હતું કે સૈન્યના અધિકારીની પાસે બે કેબિન બેગ હતા, જેનુ કુલ વજન ૧૬ કિલોગ્રામ હતું, જ્યારે માત્ર સાત કીલોની જ છૂટ અપાયેલી હોય છે. જ્યારે સ્ટાફે નિયમની જાણકારી આપી અને એક્સ્ટ્રા લગેજનો ચાર્જ આપવા કહ્યું તો અધિકારીએ ના પાડી દીધી અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર આગળ વધવા લાગ્યા. જે નિયમોનું ઉલ્લંઘન છે. બાદમાં સીઆઇએસએફ અધિકારી તેમને પાછા ગેટ પાસે લઇ ગયા. જ્યાં સૈન્ય અધિકારીએ ગુસ્સો કરીને મારપીટ શરૂ કરી દીધી. જ્યારે આ ઘટના બની ત્યારે સૈન્યના અધિકારી સાદા કપડામાં હતા, તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સમગ્ર ઘટનાની નોંધ લઇને સૈન્ય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અમે આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એવા અહેવાલો છે કે સૈન્ય અનુશાસન મુદ્દે અધિકારી સામે કાર્યવાહી કરી શકે છે. હાલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સૈન્ય અધિકારીની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જ્યારે એરલાઇન્સે પુરાવા તરીકે ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપ્યા છે. સ્પાઇસજેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખ્યો છે અને સૈન્ય અધિકારી સામે કાર્યવાહીની માગણી કરી છે. બીજી તરફ આ મામલે હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. ડીજીસીએના નિયમો મુજબ આ ઘટના લેવલ-૨માં (શારીરિક મારપીટ) અને લેવલ-૩માં જીવને જોખમમાં મુકે તેવું વર્તન ગણવામાં આવે છે, જેને કારણે આરોપી પર છથી બે વર્ષ સુધી વિમાનની મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે.