Vadodara News: વડોદરામાં ભાયલીમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ધ એરોઝ ઈન્ફ્રા સોસાયટીમાં બાઈક પાર્કિંગ બાબતે ઝઘડો થતા યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. હાલ પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક ભાયલીમાં ધ એરોઝ ઈન્ફ્રા સોસાયટીમાં ભાડેથી રહેતા અક્ષય કુરપાણે સોસાયટીના પાર્કિંગમાં બાઈક પાર્ક કરી હતી. આ બાબતે સોસાયટીમાં રહેતા સુશીલ કુમાર નામના શખસે અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. આરોપી સુશીલે ભાડેથી રહેતા લોકોએ સોસાયટીમાં પાર્કિંગ નહીં કરવાનું કહીને અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા પછી સુશીલે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અક્ષયને ધમકીઓ આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, 20 વર્ષીય યુવકની હત્યા, 5 ફરાર
રાત્રે અક્ષય અને તેનો મિત્ર બંને ભાયલી ખાતેના પાન પાર્લર પર ગયા હતા અને તેઓ પરત ફર્યા હતા. અક્ષય પોતાની બાઈક લઈને સોસાયટીમાં પ્રવેશ્યો કે તુરંત જ સુશીલે તેને રોકી તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેના હાથમાં રહેલા ચપ્પુથી અક્ષયની છાતીમાં ઘા માર્યા હતા. જો કે, સુશીલ બીજો ઘા મારવા જતા અક્ષયના મિત્રે દોડીને સુશીલના હાથમાંથી ચપ્પુ લઈ ફેંકી દીધું હતું અને બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન અક્ષયની હત્યા કરીને આરોપી સુશીલ સોસાયટીની બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો દાખલ કરી હત્યારાની શોધ ખોળ હાથ ધરી છે.