વડોદરા,બ્રેક અપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરી સતત હેરાન કરતા યુવકને પરિણીતાના સંબંધીઓએ માર માર્યો હતો. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
આજવા રોડ પર રહેતા જયેશે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. તેની જાણ તેના પરિવારમાં થઈ જતા અમારે ઝઘડો થયો હતો અને ત્યારબાદ અમારા વચ્ચે સમાધાન થઈ ગયું હતું. ગત ૩ જી તારીખે મળસ્કે ૪ વાગ્યે હું તથા મારો ભાઈ નીતિન અને મામાનો દીકરો દશામાના વિસર્જનમાં ગયા હતા. તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખી ચાર લોકોએ મારા પર હુમલો કર્યો હતો. એક આરોપીએ તેના હાથમાં પહેરેલા કડા વડે મને માથાના ભાગે મારતા હું નીચે પડી ગયો હતો. જ્યારે અન્ય એક આરોપીએ મને ધમકી આપી હતી કે, હવે તું મને મળીશ તો જાનથી મારી નંાખીશ. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા.
જ્યારે સામા પક્ષે ૨૦ વર્ષની પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ ૨૦૨૩ માં થયા હતા . દોઢ વર્ષ પૂર્વે મારે જયેશ સાથે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા વાતચીત થતી હતી અને અમારે વચ્ચે મિત્રતા થઈ હતી. તે બાબતની જાણ જે – તે સમયે મારા પતિને થતા મારા પતિ તથા જયેશ વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો. ત્યારે મેં જયેશને સ્પષ્ટ જણાવ્યું હતું કે આજ પછી મારો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરતો નહીં. તેમ છતાં તે મારો પીછો કરી વારંવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરતો હતો.










