![]()
મુંબઈ : એક તરફ અમેરિકા દ્વારા ટેરિફના આંચકા અને બીજી બાજુ દેશમાં વર્તમાન વર્ષમાં સારા ચોમાસાને પરિણામે પાકપાણીની સારી સ્થિતિથી ફુગાવો નીચો રહેવાના અંદાજ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે આવતી કાલે રેપો રેટ અંગે શું નિર્ણય લે છે તેના પર બજારની નજર રહેલી છે.
દેશમાં ફુગાવો હાલમાં છ કરતા વધુ વર્ષની નીચી સપાટીએ છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લાગુ કરવાના નિર્ણયે દેશના વિકાસને જોખમ મૂકયું છે એમ જણાવી એક બેન્કરે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખી સાવચેતી જાળવવાનું મુનાસિબ ગણશે એવો મત વ્યકત કર્યો હતો.
વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં એક ટકા જેટલો ઘટાડો કરી રેપો રેટ હાલમાં ૫.૫૦ ટકા પર લાવી દીધો છે.
બેન્કિંગ વ્યવસ્થામાં હાલમાં લિક્વિડિટી પૂરતી માત્રામાં છે, ત્યારે ઉદ્યોગોને ધિરાણ ઉપાડ માટે પ્રોત્સાહિત કરવા રેપો રેટમાં પા ટકાનો ઘટાડો જોવા મળી શકે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ફુગાવો હાલમાં રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ સ્તરથી નોંધપાત્ર નીચો છે ત્યારે રેપો રેટમાં ઘટાડો કરવાનો અવકાશ રહેલો છે, જેથી આવનારી તહેવારોની મોસમમાં ધિરાણ માગમાં વધારો થઈ શકે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. જૂનનો રિટેલ ફુગાવો ૨.૧૦ ટકા સાથે રિઝર્વ બેન્કના ટાર્ગટ સ્તરથી નોંધપાત્ર નીચો છે.
હાલમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ છે અને ખરીફ વાવણી પણ પ્રગતિના પંથે છે ત્યારે ખાધ્ય પદાર્થોનો ફુગાવો વર્તમાન તથા આગામી વર્ષમાં નીચો રહેવાની અપેક્ષા છે.
એમપીસીએ આ અગાઉ રેપો રેટમાં કરેલા ઘટાડાની હજુ સંપૂર્ણ અસર જોવા મળી નથી એટલું જ નહીં અમેરિકા સાથે હાલમાં વેપાર કરાર સંદર્ભમાં વાટાઘાટ ચાલી રહી છે, ત્યારે રિઝર્વ બેન્ક થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે અને રેપો રેટ જાળવી રાખશે એમ એક ઈકોનોમિસ્ટે જણાવ્યું હતું.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ગયા સપ્તાહમાં વ્યાજ દર જાળવી રખાયા છે અને ટેરિફને કારણે રૂપિયા પર વધુ દબાણ આવ્યું છે ત્યારે નાણાં નીતિને હળવી કરવાનો ભારત જેવી ઊભરતી બજારો માટે બહુ ઓછો અવકાશ રહેલો છે, એમ એક એનાલિસ્ટે મત વ્યકત કર્યો હતો.










