Vadodara : વડોદરા શહેરના કોમર્શિયલ અને હાઇરાઇઝ બિલ્ડીંગોની બહાર આડેધડ થતા વાહન પાર્કિંગ મામલે આજે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે અઠવાડિયા માટેની ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં દુકાન ધરાવતા સંચાલકોને તેમને ત્યાં આવતા ગ્રાહકો બેઝમેન્ટમાં જ વાહન પાર્ક કરે તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે.
શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઇ ગતરોજ મળેલી રીવ્યુ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને ટ્રાફિકના પ્રશ્ન હલ કરવાની તાકીદ કરી હતી. જેના આધારે આજે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી પરિમલ પટણીની આગેવાનીમાં ચાર ઝોનમાં ચાર ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં એક અઠવાડિયા માટેની ડ્રાઇવ શરૂ કરી છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને હાઇરાઇઝ બિલ્ડીંગ
માં આવતા ગ્રાહકો અને રહેતા રહીશો બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં જ તેમના વાહનો પાર્ક કરે અને મુખ્ય માર્ગ પર વાહન પાર્ક ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર કોમ્પ્લેક્સમાં દુકાન ચલાવતા સંચાલકોએ તેમના ગ્રાહકને ખાસ કરીને વાહન મુખ્ય માર્ગ પર નડતરરૂપ રીતે પાર્ક ન થાય તેવું જણાવવા તાકીદ કરી હતી. એક અઠવાડિયા માટે પાલિકા આ અંગે જાગૃતતા લાવવા સાથેનો એક વિશેષ ડ્રાઇવ આજથી શરૂ કરી છે. જે બાદ જો કોઈ કોમ્પ્લેક્સવાળા તેનો અમલ ન કરાવે તો તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.