‘ઓપરેશન- 100’ અંતર્ગત હિસ્ટ્રીશીટરોની સામે કડક કાર્યવાહી : ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, દ્વારકા, ઓખા, સાવરકુંડલામાં દબાણો પર સરકારી બુલડોઝર ફેરવાયું : એક ધર્મસ્થાન પણ ધરાશાયી
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ‘ઓપરેશન- 100’ અંતર્ગત હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી ચાલુ રહી છે. આજે ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, દ્વારકા, ઓખા, સાવરકુંડલામાં અસામાજિક તત્ત્વોનાં ગેરકાયદે બાંધકામો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સાથે યાત્રાધામ દ્વારકામાં એક દબાણરૂપ ધર્મસ્થાન પણ ધરાશાયી કરવામાં આવ્યું હતું. ગોંડલમાં અનેક ગુન્હાનો ઈતિહાસ ધરાવતા આરોપી ઈરફાન હસનભાઈ કટારીયાની ગેરકાયદેસર મિલ્કતમાં બુલડોઝર ફરી વળ્યું હતું. પોલીસે વોરાકોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર પાસે રહેતા ઈરફાન કટારીયાના રહેણાંક સ્થળોએ બાંધકામ તોડી પડાયા હતા. કોટડાસાંગાણીમાં સરકારી ખરાબાની રૂ. 1.20 કરોડની કિંમતની 1200 ચો.મી. જમીન પર ગુલાબ રહેમાન મકવાણા નામના શખ્સે પેશકદમી કરી હતી. જેમાં આજે મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દીધું હતું.
જામકંડોરણા પંથકમાં અવારનવાર મિલ્કત સંબંધી, શરીર સંબંધી, દારૂ અને જુગારમાં પકડાયેલ ઈસમોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે અનુસંધાને જામકંડોરણા તાલુકાના નાના ભાદરા ગામે ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા ભરત ઉર્ફે ભુરીયો ધીરૂભાઈ મજેઠીયા સામે જામકંડોરણા, જેતપુર, લોધીકા, રાજકોટ, કાપોદ્રા, કામરેજ સહિતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર અને માથાકૂટના દસેક જેટલાં ગુન્હા નોંધાયેલા છે, જેથી મામલતદાર કચેરી દ્વારા તેના મકાન, મિલ્કતનાં દસ્તાવેજ વેરીફાઈ કરી ગેરકાયદે બાંધકામની નોટિસ આપવામાં આવી હતી. આજરોજ નાના ભાદરાથી દુધીવદર જવાના રસ્તે તેણે 100 ચોરસવાર જમીન પર બેલાનું ચણતર કરી મકાન બનાવેલું હતું, તેને પોલીસ અને મામલતદારની ટીમ સાથે મળીને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બસ સ્ટેન્ડ રોડથી રાજુલા રોડ અને સાવરકુંડલા રોડ સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઓટલા અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ર૦ થી રપ જેટલા ઓટલા અને એક દુકાન તોડી પાડવામાં આવી હતી. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરનારાઓમાં તંત્રની આ કાર્યવાહીથી ફફડાટ ફેલાઈ ગયો છે.
યાત્રાધામ દ્વારકામાં સરકારી તંત્ર દ્વારા આજે સાંજે ખારા તળાવ વિસ્તારોમાં સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પાકુ મકાન બનાવી દબાણ કરેલ હોય તે દબાણ પોલીસ બંદોબસ્ત સ્ટાફ સાથે રાખી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂક્ષ્મણી મંદિર રોડ પાસે એક ધાર્મિક મંદિર દબાણરૂપ હતું, જે થોડા દિવસો પહેલા પાડવા જતાં વિવાદ શરૂ થયો હતો, તે આજે તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જે મંદિરનું ડિમોલિશન કર્યું તે આવડ માતાજીનંસ હતું, તે માતાજીની સ્થાપના ધામધુમથી અન્ય જગ્યાએ કરવામાં આવી છે. આગામી દિવસોમાં રૂકમણિ મંદિર સામે અન્ય સરકારી જગ્યામાં 50 જેટલા ઈસમોને નોટીસો આપી, તેની મુદતો પણ પૂરી થઈ ગયેલ હોય, તે સરકારી કરોડો રૂપિયાની કિંમતની લાખો ફુટ જગ્યા ઉપર તંત્ર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરશે ? કે નહિ એ જોવાનું રહેશે. * ઓખામાં આજે તંત્ર એકશન મોડમાં આવ્યું હતું. અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા આસામીઓને ગેરકાયદે મિલકતોને નોટીસ પાઠવાયા પછી આજે ઓખાના ચીફ ઓફિસર સહિત વિશાળ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. બર્માશેલ કવાર્ટર તથા ગાંધીનગરી સહિતનાં વિસ્તારોમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું.