Maharashtra : મહારાષ્ટ્રના નાગપુરમ જિલ્લામાં આજે (9 ઓગસ્ટ) એક મોટી દુર્ઘટના બની છે. અહીં ખાપરખેડાથી કોરાડી મંદિર માર્ગ પર બની રહેલી એક નિર્માણાધીન બિલ્ડિંગની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. જ્યારે અહીં કામ ચાલી રહ્યું હતું, ત્યારે કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. રિપોર્ટ મુજબ કાટમાળ નીચે દબાયેલા તમામને બહાર કાઢી લેવાયા છે અને 15-16 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમ સ્થળ પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. એનડીઆરએફના ઈન્સ્પેક્ટરે કહ્યું કે, તમામને બહાર કાઢી લેવાયા છે અને હજુ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, તે હટ્યા બાદ ચોક્કસ માહિતી મળીશે તેમ છે. ઘટના બની ત્યારે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
15થી 16 લોકોને ઈજા
નાગપુર મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (NMRDA)ના મેટ્રોપોલિટન કમિશનર સંજય મીણાએ જણાવ્યું કે, ‘15થી 16 લોકો ઘાયલ થયા છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી અને તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અહીં તેમની સારવાર ચાલી રહી છે. કોરાડી મંદિરના પ્રવેશદ્વાર પર કામ અહીં ચાલી રહ્યું હતું, ત્યારે ઘટના બની છે. ઘટના કેવી રીતે બની અથવા શું થયું તે સંપૂર્ણ તપાસ પછી જ કહી શકાય.’
તમામને બહાર કાઢી લેવાયા : NDRF
નાગપુરમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના અંગે NDRFના ઈન્સ્પેક્ટર કૃપાલ મુળેએ કહ્યું કે, ‘જ્યારે અમે આવ્યા ત્યારે આખી છત પડી ગઈ હતી. અમે જ્યારે પૂછ્યું તો કહેવામાં આવ્યું કે, અહીં કામ કરી રહેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, કોઈ દટાયું હોવાની શક્યતા નથી. કાટમાળ સાફ થયા પછી જ કંઈક કહી શકાશે. કાટમાળની ઊંચાઈ 4 થી 5 ફૂટ છે.’
RCC ભરતી વખતે બની દુર્ઘટના
નાગપુરના ડીએમ ડૉ. વિપિન ઈટકરે કહ્યું કે, ‘જ્યારે સ્લેબ માટે આરસીસી ભરવામાં આવી રહ્યો હતો, ત્યારે તે તૂટી ગયો હતો. ત્યાં કામ કરતા મજૂરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. તેમની સંખ્યા 15-16 હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રોટોકોલ મુજબ, એનડીઆરએફ, પોલીસ વિભાગ અહીં હાજર છે. મશીનોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.’
આ પણ વાંચો : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર’, DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ પાકિસ્તાનને હંફાવ્યું