– આરોગ્ય કેન્દ્રની જમીન પર ધરાર ઉભું કરાયું હતું
– આગામી સમયમાં નવું શૌચાલય બનાવી આપવાની ચીફ ઓફિસરની હૈયાધારણા
વલ્લભીપુર : વલ્લભીપુર શાકમાર્કેટમાં જાહેર જનતા માટે બનાવેલ યુરિનલ આરોગ્ય કેન્દ્રના નવીનીકરણમાં અડચણરૂપ બનતા નગરપાલિકા દ્વારા આ જાહેર શૌચાલયને તોડી પાડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વલ્લભીપુર નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા શાકમાર્કેટમાં યુરીનલ બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ સમયાંતરે શૌચાલય જર્જરિત થતા તેનું સમારકામ પણ નગરપાલિકા કરતું આવ્યું છે, હાલ સરકારી આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણ શરૂ હોય જેથી અડચણરૂપ શૌચાલય તોડી પાડવામાં આવતા શાકમાર્કેટમાં બહારથી આવતા લોકોને ભારે પરેશાની પડી રહી છે, આ બાબતે નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ગોહિલને પુછતા તેઓએ આ બાબતે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં શાક માર્કેટમાં નવું શૌચાલય બનાવી દેવામાં આવશે અને આ હાલ જે જગ્યાએ યુરીનલ હતું તે જગ્યા સરકારી હોસ્પિટલની હોય તેવી નોટિસ પણ નગરપાલિકાને મળેલ છે, અને તેને પાડી દેવાની પણ મંજુરી ચીફ ઓફિસરે ટેલીફોનીક આપેલ છે તેવી માહિતી આપવામાં આવેલ હતી. જો કે, જે તે સમયે દવાખાનાના જવાબદાર અધિકારીએ મૌખિક રીતે મનાઇ કરી હોવા છતાં સત્તાના જોરે ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હતું જે અંતે તોડી પડાયું છે.