એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગમાં વાઈલ્ડ લાઈફ મોનિટરિંગ ટેકનિક્સ પર યોજાયેલા વર્કશોપમાં હાજર રહેલા વડોદરા સર્કલના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી ડો.અંશુમન શર્માએ એક વાતચીતમાં ઉપરોક્ત જાણકારી આપતા કહ્યું હતું કે, રતન મહાલનું જંગલ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર છે.મધ્યપ્રદેશમાંથી જ આ વાઘ રતન મહાલમાં આવ્યો છે.આ નર વાઘ છે અને ફેબુ્રઆરી મહિનાથી તે નિયમિત રીતે જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લે ૨૦૧૯માં મહીસાગરના જંગલોમાં વાઘ જોવા મળ્યો હતો.જે પણ મધ્યપ્રદેશમાંથી આવ્યો હતો.એ પછી વાઘે દેખા દીધી હોવાની બીજી ઘટના છે. તેનો અર્થ એવો પણ નથી કે વાઘે રતન મહાલના જંગલોને પોતાનું નવુ ઘર બનાવ્યું છે.જો વાઘ અહીંયા બચ્ચા આપે તો જ કહી શકાય કે તેણે અહીંયા રહેઠાણ બનાવ્યું છે.ડો.શર્માએ કહ્યું હતું કે, હવે જંગલોમાં પ્રાણીઓ પર નજર રાખવા માટે અને વસતી ગણતરી માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ વ્યાપક બન્યો છે. જેના ભાગરુપે અલગ પ્રકારના કેમેરાનો રતન મહાલ અને જાંબુઘોડાના જંગલોમાં ઉપયોગ કરી રહ્યા છે.ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે તેમાંથી પ્રાપ્ત થતા થોકબંધ ડેટાના એનાલિસિસનું કામ પણ જોકે એટલું જ પડકારજનક બની રહ્યું છે.
ભારતમાં ઊડતી ખિસકોલીની ૧૪ પ્રજાતિઓ
જંગલો કપાઈ રહ્યા હોવાથી ઊડતી ખિસકોલીની વસતીમાં ઘટાડો
એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગમાં યોજાયેલા વાઈલ્ડ લાઈફ મોનિટરિંગ ટેકનિકના વર્કશોપમાં હાજર રહેલા ઉદેપુર યુનિવર્સિટીના અધ્યાપક ડો.વિજયકુમાર કોહલી ઊડતી ખિસકોલી પર છેલ્લા કેટલાક વર્ષોથી સંશોધન કરી રહ્યા છે.
તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, જંગલો કપાઈ રહ્યા હોવાથી ઊડતી ખિસકોલીની વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેના અસ્તિત્વ પર ખતરો પણ સર્જાઈ શકે છે.ઊડતી ખિસકોલીની ભારતમાં ૧૪ પ્રજાતિઓ જોવા મળે છે.જેમાંથી ૧૨ પ્રજાતિઓ માત્ર નોર્થ ઈસ્ટના રાજ્યોમાં અસ્તિત્વ ધરાવે છે.બાકીની બે પ્રજાતિ અન્ય કેટલાક રાજ્યોમાં દેખાય છે.આ પૈકી ઈન્ડિયન જાયન્ટ સ્કિવરલ તરીકે ઓળખાતી પ્રજાતિ ગુજરાતના રતન મહાલ અને જાંબુઘોડા એમ બંને જંગલોમાં અને દક્ષિણ રાજસ્થાનમાં વસવાટ કરે છે.
ડો.કોહલીનું કહેવું છે કે, ઊડતી ખિસકોલી સામાન્ય રીતે ઝાડના પોલાણ કે બખોલમાં રહે છે.વસવાટ માટે તેને મહુડા, કદમ, બહેરાના વૃક્ષો વધારે અનુકુળ આવે છે.ફળો અને ઝાડની ડાળખીઓની અંદરનો હિસ્સો તેનો ખોરાક છે.હજી સુધી તેની વસતી ગણતરીના પ્રયાસો સફળ થયા નથી.કારણકે મોટાભાગે તે રાત્રે જ જોવા મળે છે.ઉપરાંત તે છુટી છવાઈ વસવાટ કરે છે.વાઈલ્ડ મોનિટરિંગ દરમિયાન તે દેખાઈ જાય છે.પણ જંગલો કપાઈ રહ્યા હોવાથી તેની વસતી સતત ઘટી રહી હોવાનું અનુમાન છે.
વિદ્યાર્થીઓને જાંબુઘોડાના જંગલોમાં તાલીમ અપાશે
વર્કશોપ અંગે ઝૂલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રોફેસર દેવકરે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી ઝૂઓલોજીના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે.ઝૂલોજી વિભાગમાં વર્કશોપનું ઉદઘાટન સત્ર યોજાયું છે.હવે વિદ્યાર્થીઓને વન વિભાગની મદદથી જાંબુઘોડા ખાતેના જંગલોમાં લઈ જઈને પ્રાણીઓને મોનિટર કેવી રીતે કરવા, પ્રાણીઓના પગલા, મળ તેમજ વિવિધ નિશાનીઓ થકી તેમની હાજરી કેવી રીતે પારખવી, પક્ષીઓની ગણતરી કેવી રીતે કરવી, કેમેરા ટ્રેપ કેવી રીતે કરવા વગેરે બાબતો શીખવાડવામાં આવશે.વિદ્યાર્થીઓની સાથે સાથે વન વિભાગના ફોરેસ્ટ ગાર્ડ પણ જોડાશે.