![]()
Rajasthan High Court: રાજસ્થાન હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓમોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે ન્યાયમિત્રના અહેવાલ પરથી સરકારને જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે. જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાયમિત્રના વકીલ વરિષ્ઠ એડવોકેટ ડૉ. સચિન આચાર્ય, એડવોકેટ પ્રિયંકા બોરાના અને એડવોકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ મૂક્યો હતો.
રખડતા શ્વાનના કારણે માનવજીવન જોખમમાં મૂકાયું
ન્યાયમિત્રએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવું એ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથોરિટી અને અન્ય એજન્સીઓની કાનૂની ફરજ છે. તેમ છતા, અધિકારીઓની બેદરકારીના કારણે રખડતા પ્રાણીઓના હુમલા અને કરડવાના બનાવોમાં વધારો થયો છે, જેના કારણે માનવ જીવન જોખમમાં મૂકાય છે. આ સિવાય દેશ-વિદેશના પ્રવાસીઓમાં રાજ્યની છબી ખરડાય છે.
આ પણ વાંચોઃ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના
કોર્પોરેશન પાસે માંગ્યો રિપોર્ટ
નોંધનીય છે કે, એમ્સ જોધપુરે 10 ઓગસ્ટે એડવોકેટ પ્રિયંકા બોરાનાને પત્ર મોકલીને પોતાના પરિસરમાં રખડતા શ્વાનની સમસ્યા અને દર્દી તેમજ સ્ટાફ પર હુમલાની ઘટનાઓની જાણકારી આપી હતી. કોર્ટે આ પત્રને ધ્યાને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ રાજ્ય સરકાર અને સંસ્થાઓને સમય આપી જરૂરી નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં ડૉગ શેલ્ટર અને ગૌશાળાઓની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને આગલી સુનાવણી દરમિયાન રજૂ કરવાનો રહેશે.
- મેનપાવર અને સ્ટાફની વિગતઃ પશુ પકડનારા દળ, ડૉક્ટર અને અન્ય સ્ટાફની જાણકારી કોર્ટને આપવામાં આવે.
- વિશેષ અભિયાનઃ શહેરના રસ્તાથી રખડતા શ્વાન અને અન્ય પશુઓને દૂર કરવા માટે અભિયાન ચલાવવામાં આવે.
- અવરોધ પર કાર્યવાહીઃ કામમાં અડચણ ઊભી કરનારા લોકો પર સંબંઘિત કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી શકાશે.
- ફરિયાદઃ પ્રત્યેક કોર્પોરેશન હેલ્પલાઇન નંબર-ઈમેલ આઈડી જાહેર કરશે.
- શેલ્ટરમાં જ ભોજન આપી શકાશેઃ ભોજન આપવાની મંજૂરી ફક્ત કોર્પોરેશન સંચાલિત શેલ્ટર અથવા ગૌશાળામાં જ હશે.
- સંવેદશનશીલ સ્થળો પર પ્રાથમિકતાઃ કોર્પોરેશન જોધપુર, એમ્સ જોધપુર અને જિલ્લા ન્યાયાલયના પરિસરથી તુરંત રખડતા શ્વાનને દૂર કરવામાં આવે.
- હાઇવે પેટ્રોલિંગ: રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગના સત્તાધીશોએ નિયમિતપણે હાઇવે પર પેટ્રોલિંગ કરવું જોઈએ અને રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ.
આ સાથે, કેસની આગામી સુનાવણી 8 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ‘અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા’, રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ
સુપ્રીમ કોર્ટે પણ લીધો નિર્ણય
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનની સમસ્યાને ખૂબ જ ગંભીર જણાવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને કોર્પોરેશનને તમામ વિસ્તારોથી રખડતા શ્વાનને જલ્દી ખસેડી શેલ્ટર હોમમાં મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અભિયાનમાં અડચણ ઊભી કરનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.










