નવી દિલ્હી : ટ્રમ્પના ટેરિફને કારણે ભારતના આર્થિક વિકાસ પર અસર નહીં પડે કારણ કે તે વેપારલક્ષી અર્થતંત્ર નથી અને ભારતનું સોવેરિન રેટિંગ્સ આઉટલુક પણ પોઝિટિવ જળવાઈ રહેશે એમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા જણાવાયું છે.
આર્થિક વિકાસ મજબૂત હોવાનું જણાવી ગયા વર્ષના મેમાં એસએન્ડપીએ ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- થી પોઝિટિવ અપગ્રેડ કર્યું હતું. અમેરિકાએ ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફની જાહેરાત કરી છે જેમાંથી ૨૫ ટકા સાત ઓગસ્ટથી લાગુ થઈ છે અને બીજી ૨૫ ટકા ૨૭ ઓગસ્ટથી લાગુ થનાર છે.
રશિયા પાસેથી ભારતે ક્રુડ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવાનું જણાવી અમેરિકાએ ટેરિફ લાગુ કરી છે.
ટેરિફને કારણે ભારતના પોઝિટિવ આઉટલુક સામે ઘટાડા તરફી જોખમ રહેલું છે કે કેમ એમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના ડાયરેકટર યીફાર્ન ફુઆને પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મને નથી લાગતુ કે ટેરિફને કારણે ભારતના આર્થિક વિકાસ પર અસર થશે કારણ કે ભારત એકદમ જ વેપારલક્ષી અર્થતંત્ર નથી અને અમેરિકામાં ભારતની નિકાસની માત્રા જોવા જઈએ તો તે દેશના જીડીપીના બે ટકા જેટલી જ છે.
વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા રહેવા એસએન્ડપીએ અંદાજ મૂકયો છે.
ફાર્માસ્યૂટિકલ તથા ઈલેકટ્રોનિકસ જેવા મુખ્ય ક્ષેત્રોને ટેરિફમાંથી બાકાત રખાયા છે.
લાંબા ગાળે આ ટેરિફથી ભારતને મોટો ફટકો પડશે તેવું અમને જણાતું નથી અને માટે ભારત પર પોઝિટિવ આઉટલુક જળવાઈ રહ્યું છે એમ એશિયા-પેસિફિક સોવેરિન રેટિંગ્સ પરના વેબિનારમાં તેમણે જણાવ્યું હતું.
ટેરિફને કારણે ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહ પર અસર પડશે કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, ચીન ઉપરાંત અન્ય દેશની સ્ટ્રેટેજી વેપારગૃહોને છેલ્લા કેટલાક વર્ષથી લાભકારક બની છે અને કંપનીઓ ભારતમાં ઘરેલુ માગને પૂરી કરવા ભારતમાં વેપારગૃહો ઊભા કરી રહી છે.
વેપારગૃહો માત્ર અમેરિકામાં નિકાસ કરવા જ ભારતમાં એકમો સ્થાપી નથી રહી પરંતુ ભારતમાં ઘરેલુ માગ પણ મજબૂત છે.