Godhra Property Card News: ગોધરાની સીટી સર્વે કચેરીમાં તત્કાલિન સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટે નિયમ વિરુદ્ધ 2831 પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. નિયમ વિરૂદ્ધ ઇશ્યૂ થયેલા 2831 પ્રોપર્ટી કાર્ડને જિલ્લા કલેકટરના હુકમથી રદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે લાબા સમયમાં બોગસ બનેલા પ્રોપર્ટી કાર્ડ રદ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
ગોધરા સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની રજૂઆત બાદ ગાંધીનગરની ટીમે ગોધરા કચેરીમાં 3 દિવસ તપાસ કરતા 2831 પ્રોપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ ઇશ્યૂ કરી હોવાનું બહાર આવતા તપાસ ટીમ તમામ ડોકયુમેન્ટ લઇ જઇને તપાસ કરી હતી. તપાસ બાદ ગુજરાત સેટલમેન્ટ કમીશ્નર અને જમીન રેકર્ડ નિયાકમ હુકમ કર્યો કે ગોધરાના તત્કાલિન સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ ડી.ડી.પટેલે કચેરીમાં 2831 થી વધુ પ્રોપર્ટી કાર્ડ ક્ષતિયુક્ત રીતે બનાવેલા હોવાનું પ્રસ્થાપિત થયું છે. જેથી ડી.ડી.પટેલ દ્વારા આચરવામાં આવેલા ગેરરીતીને લઇને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જયારે કચેરીમાં ક્ષતિ યુક્ત 2831 પ્રોપર્ટી કાર્ડને રદ કરવા કે ચાલુ રાખવા તેની અસમસંજમાં કચેરી છે. હાલ ડીઆઇએલઆર દ્વારા વડી કચેરીમાં લેખીતમાં પ્રોપર્ટી કાર્ડની રજૂઆત કરી છે. વડી કચેરીમાંથી નીયમ વિરુદ્ધ ઇશ્યૂ કરેલા 2831 જેટલા પ્રોપર્ટી કાર્ડ જીલ્લા કલેકટર દ્વારા રદ કરવાનો હુકમ કરતા કચેરી દ્વારા તમામ નિયમ વીરુદ્ધ ઇશ્યૂ થયેલ પ્રોપર્ટી કાર્ડ રદ કરી દીધા છે. તેમજ રદ થયેલ પ્રોપર્ટી કાર્ડ ધારકોઓએ હવે નવેસરથી પ્રોપર્ટી કાર્ડની પ્રક્રીયા નિયમ મુજબ કરવી પડશે. જયારે જિલ્લામાં એક સાથે 2831 પ્રોપર્ટી કાર્ડ રદ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
એક પ્રોપર્ટી કાર્ડની તપાસમાં સમગ્ર ગેરરીતી બહાર આવી હતી કાલોલના કાતોલની જમીન ખેતી હેડે ચાલતી હતી. અને તેમાં ખોટું પ્રોપર્ટી કાર્ડ બનેલ હોવાની શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં એક સાથે 2800 થી વધુ નિયમો વિરુદ્ધ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ ખેતીની જમીનના પણ પ્રોપર્ટી કાર્ડ બન્યા હોવાને લઇને તંત્ર દ્વારા કાર્યવાહી કરી છે. ખેતી જમીનના પ્રોપર્ટી કાર્ડ સહીત તમામ બોગસ પ્રોપર્ટી કાર્ડને રદ કરી દેવામાં આવ્યા છે.
નિયમ વિરુદ્ધ ઇશ્યૂ થયેલ પ્રોપર્ટી કાર્ડ રદ થયા
અગાઉ તપાસ કરતા નિયમ વિરુધ્ધ 2800 થી પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ નિયમ વિરુદ્ધ ઇશ્યૂ થયેલ તમામ પ્રોપર્ટી કાર્ડને રદ કરવામાં આવ્યા છે. પ્રોપર્ટી કાર્ડ રદ થતા તેઓ નવેસરથી નિયમ મુજબની પ્રક્રીયા કરીને નવા પ્રોપર્ટી કાર્ડ બનાવી શકશે: અજય દહિયા, કલેકટર, પંચમહાલ