– ફતેપુરા પાસે સાબરમતી નદીના બ્રિજ પર અકસ્માત
– નવસારીથી સારંગપુર જતા 17 મુસાફરો પૈકી 6 ને નાની- મોટી ઈજા : સદનસીબે જાનહાનિ ટળી
તારાપુર : તારાપુર- વટામણ હાઈવે ઉપર ફતેપુરા પાસે સાબરમતી નદીના બ્રિજ ઉપર ગાય આડી ઉતરતા ટેમ્પો ટ્રાવેલર ગાડી ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ જતા છ મુસાફરોને ઈજા થઈ હતી. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.
તારાપુર વટામણ સિક્સલેન હાઈવે પર ફતેપુરા પાસે આવેલી સાબરમતી નદી પરના બ્રિજ ઉપર અચાનક ગાય આડી ઉતરતા પેસેન્જર ભરેલી ટેમ્પો ટ્રાવેલર ગાડીના ચાલકે બ્રેક મારી હતી. ગાડી ગાય સાથે અથડાયા બાદ ડિવાઈડર સાથે ટકરાઈ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ૩.૩૦ વાગ્યે થયેલા અકસ્માતમાં નવસારીથી સાળંગપુર જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં ૧૭ જેટલા સવાર મુસાફરો પૈકી ૬ લોકોને વત્તા- ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે તાત્કાલિક તારાપુર પોલીસ અને પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદ મેડિકલ ખાતે ખસેડયા બાદ સારવાર કરીને રજા અપાઈ હતી.