– દરિયામાં ગયેલ ૫૦૦ બોટ પરત પહોંચી અન્યને એલર્ટ કરાઇ
– ફિશરીઝ વિભાગ, પોલીસ, પીપાવાવ કોસ્ટગાર્ડ, કલેક્ટર સહિત વહિવટી તંત્ર દોડતું થયું : તરવૈયા દ્વારા શોધખોળ શરૂ
રાજુલા : હવામાન વિભાગની આગાહીના પગલે ખારવા સમાજને દરિયો નહી ખેડવા તાકીદ કરાઇ છે. જો કે, નવી સીઝનના પ્રારંભે અમુક બોટ માછીમારી માટે રવાના થઇ હતી પરંતુ દરિયામાં ગઇકાલે અને આજે કરંટ વર્તાયો હતો અને તોફાની વાતાવરણમાં મધદરિયે ત્રણ બોટે કાબુ ગુમાવતા જળ સમાધી લીધી હતી. જો કે, આ ગંભીર ઘટનામાં ૧૧ ખલાસી લાપતા બન્યા હોવાનું જણાયું છે અને સંલગ્ન તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જો કે, અત્યાર સુધીમાં ૫૦૦ બોટ પરત આવી હોવાનું જણાયું છે.
જાફરાબાદ માછીમારીની નવી સિઝનના પ્રારંભે જ દરિયો ખેડવા નિકળેલા સાગરખેડૂ મધદરિયે પહોંચ્યા અને કુદરતી વાતાવરણ ગંભીર બનતા મધદરિયેથી બોટ લઇને કાંઠે પરત ફરતા અનેક બોટના મશીનો પર બંધ હોવાથી અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી દોરડા બાંધી ૫રત ફર્યા હતા. દરિયો ગાંડોતૂર બની મસમોટા મોજાં ઉછાળતા જાફરાબાદ થી ૧૮ નોટિકલ માઇલ યશવંતભાઈ બારૈયા ની જય શ્રી નામની બોટે મધદરિયામા જળસમાધિ લીધી હતી અન્ય બોટ દ્વારા ૫ ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા ૪ ખલાસીઓ લાપતા થયા હતા જાફરાબાદ ની દેવકી નામની બોટે પણ મધદરિયે જળસમાધિ લીધી હતી તે બોટમાં ૧૦ ખલાસીઓ હતા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ૭ જેટલા ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લાના રાજપરા ની મુરલીધર નામની બોટે મધદરિયામા જળસમાધિ લેતા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ૫ જેટલા ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ૩ બોટના કુલ ૧૧ ખલાસીઓ લાપતા હોવાથી સાગરખેડૂ માં દુઃખની લાગણી ફેલાવા સાથે તંત્ર માં પણ દોડધામ મચી ગઇ છે. મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડ ને માહિતી આપી હતી હાલ વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ખરવા સમાજના બોટ એસોસિયેશન ના પ્રમુખે જણાવ્યું હતું કે મધદરિયે થી ૫૦૦ બોટ જાફરાબાદ બંદરે પરત પહોંચી છે. અન્ય બોટો સાથે વાયરલેસ કરી તેઓને નજીક ના બંદરે જતા રહેવા સુચના આપવામાં આવી રહી છે. અને પીપાવાવ કોસ્ટ ગાર્ડ સાથે પણ સંપર્ક કર્યો છે વહેલી સવારથી જીલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા ફિશરીઝ વિભાગ કોસ્ટ ગાર્ડ પણ જાફરાબાદ બંદરે આવી પહોંચ્યા હતા અને સાગરખેડૂ ઓ સાથે બેઠક યોજી હતી આમ ગંભીર ઘટના ઘટતા વહીવટી તંત્ર દોડતું થયું છે.
જાફરાબાદ બંદરે લાગ્યું 3 નંબરનું સિગ્નલ
જાફરાબાદ બંદરે દરિયામાં મસમોટા મોજા ઉછળી સુસવાટા મળતો વરસાદી પવનના માહોલ વચ્ચે સમુદ્રમાં કરંટ જોવા મળતા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ વડી કચેરી ગાંધીનગરની સુચના મુજબ જાફરાબાદ બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ અને સમુદ્રમાં પણ કરંટ જોવા મળ્યો હતો અને માછીમારોને દરિયો ન ખેડવા ગંભીર સુચના આપવામાં આવી છે.