Jamnagar Crime : જામનગર નજીક દરેડ વિસ્તારમાં ડાઇનિંગ હોલ ચલાવતા એક વેપારી અને તેના પરિવારના બે મહિલા સહિતના છ સભ્યોએ હંગામો મચાવ્યો હતો, અને ડાઇનિંગ હોલમાં જમવા આવેલા એક ખાનગી કંપનીના સુપરવાઇઝર સાથે બબાલ કરી મારકૂટ કર્યા પછી તેને બચાવવા આવેલા તેના માલિક ઉપર પણ હુમલો કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ખાનગી કંપની ચલાવતા હરદેવસિંહ બટુકસિંહ વાળા કે જેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી જણાવ્યું છે, કે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શિવમ ડાઇનિંગ હોલ ચલાવતા સુનિલભાઈ નંદા તેમજ તેના પરિવારના વિશાલ નંદા, ધ્રુવ નંદા, રોહિત નંદા, નિશાબેન નંદા, અને માયાબેન વગેરે લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી નાખ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોતાની કંપનીના સુપરવાઇઝર સંજીવ કુમાર દ્વિવેદી, કે જેઓ ડાઇનિંગ હોલમાં જમવા માટે ગયા હતા, ત્યારે જમવા બાબતે સંજીવ કુમાર તેમજ ડાઇનિંગ હોલના સંચાલકો સાથે તકરાર થઈ હતી, અને તેને મારકુટ કરતા હતા. તેથી હરદેવસિંહ વાળા તેને બચાવવા માટે ગયા હતા. દરમિયાન તેના ઉપર પણ તમામ છ શખ્સોએ હુમલો કરી દીધો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.