Bharuch Liquor Crime : ભરૂચ એલસીબીની ટીમે માંડવા ગામ ખાતેથી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કાર સાથે ચાલકને ઝડપી પાડી દારૂના જથ્થા સાથે કુલ રૂ.3.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે ફરાર શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
ભરૂચ એલસીબી ટીમને બાતમી મળી હતી કે, માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાના મંદિર જવાના રસ્તા પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કાર ઉભી રહી છે. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કાર ચાલક રીન્કુ રામુભાઇ વસાવા (રહે-પારસી ફળિયું, દહેલી, વાલીયા) ને ઝડપી પાડ્યો હતો. કારની તલાસી લેતા તેમાંથી રૂ.72,600ની કિંમતની દારૂની 225 બોટલો મળી આવી હતી. પોલીસની પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી હતી કે, નાનાસંજાના અલ્પેશે ગોવાલીથી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો, મારી સાથે તેનો માણસ ઠાકોર ઉર્ફે ભીમ આવ્યો હતો, તે મને માંડવા પંચાયત આગળ ઉભો રખાવી ઠાકોર કહે ત્યાં દારૂનો જથ્થો આપવાનો હતો. અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂ.3,75,600નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રીન્કુની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી અલ્પેશ અને ઠાકોર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા.