મુંબઈ : ૨૦૨૨ના પ્રારંભમાં યુક્રેન પર આક્રમણ બાદ અત્યારસુધીના ગાળામાં રશિયા દ્વારા વિશ્વભરમાં કરાયેલી ક્રુડ તેલની નિકાસમાંથી વીસ ટકા નિકાસ આવક ભારતમાંથી થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૨૦૨૨થી અત્યારસુધીમાં રશિયાએ કુલ રૂપિયા ૬૪૦૦૦ કરોડના ક્રુડ તેલની નિકાસ કરી છે, જેમાંથી રૂપિયા ૧૩૨૦૦ કરોડની નિકાસ ભારતમાં કરી છે.
રશિયન ક્રુડ તેલની ખરીદી બદલ અમેરિકા દ્વારા ભારતની સતત ટીકા કરવામાં આવી રહી છે અને ખરીદી અટકાવી દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
ચીન દ્વારા રૂપિયા ૧૯૩૦૦ કરોડની આયાત કરવામાં આવી છે જ્યારે યુરોપ તથા તુર્કેીએ અનુક્રમે રૂપિયા ૧૦૫૦૦ કરોડ અને રૂપિયા ૭૧૦૦ કરોડના રશિયન ક્રુડ તેલની આયાત કરી હોવાનું ફિનલેન્ડસ્થિત સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (ક્રેઆ)ના ડેટા જણાવે છે.
યુક્રેન સાથેના યુદ્ધ બાદ રશિયાએ ક્રુડ તેલ, ગેસ તથા કોલસાની નિકાસ મારફત એકંદરે રૂપિયા ૯૩૦૦૦ કરોડની આવક કરી છે. રશિયાના ક્રુડ તેલની ખરીદી બદલ અમેરિકાએ ભારત પર ૨૫ ટકા વધારાના ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ વધારાના ટેરિફ ૨૭ ઓગસ્ટથી લાગુ થનાર છે.
ક્રુડ તેલની ખરીદી કરીને ભારત તથા ચીન રશિયાને નાણાંકીય રીતે ટેકો કરી રહ્યા હોવાનો અમેરિકા બન્ને દેશો પર વારંવાર આક્ષેપ કરી રહ્યું છે. જો કે યુરોપિયન યુનિયન પોતે જ રશિયા પાસેથી મોટી માત્રામાં અસ્મીભૂત ઈંધણની ખરીદી કરી રહ્યુંછે.
યુક્રેન પર આક્રમણ બાદ રશિયાની અસ્મીભૂત ઈંધણની નિકાસમાંથી ૨૫ ટકા યુરોપમાં જોવા મળી છે. આક્રમણ બાદ અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશોએ રશિયા પર લાગુ કરેલા પ્રતિબંધને કારણે રશિયાનું ક્રુડ તેલ વિશ્વબજારમાં સસ્તામાં ઉપલબ્ધ બન્યું છે જેને પરિણામે ભારત તથા ચીન જેઓ ક્રુડ તેલના મોટા વપરાશકાર દેશો છે, તેમની ખરીદીમાં વધારો થયો છે. અમેરિકાના સતત દબાણ છતાં ભારત અને રશિયા વચ્ચે વેપાર વ્યવહાર જળવાઈ રહ્યો છે.