Drug Smuggling in Gujarat: ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સના સ્મગલિંગ બદલ 1366 કેસ નોંધાયા છે જ્યારે 1946ની ધરપકડ કરવામાં આવી છે. આમ, પ્રતિ મહિને સરેરાશ 54 વ્યક્તિની ડ્રગ્સ સ્મગલિંગમાં ધરપકડ થાય છે જ્યારે 38 વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે.
બે વર્ષમાં ડ્રગ્સ સ્મગલિંગના કેસમાં 25 ટકા, ધરપકડના પ્રમાણમાં 10 ટકા જેટલો વધારો
ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા જારી વિગત અનુસાર વર્ષ 2024માં ગુજરાતમાં ગાંજા-અફીણ સાથે ઝડપાયેલા 383 જ્યારે મેફેડ્રોન સાથે 112 વિરુદ્ધ કેસ દાખલ કરાયા હતા. આ ઉપરાંત કુલ 702ની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ સ્મગલિંગ બદલ સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેવા રાજ્યોમાં કેરળ 27777 સાથે મોખરે છે. આ સિવાય અન્ય રાજ્યો કે જ્યાં એક વર્ષમાં ડ્રગ્સ મામલે સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેમાં મઘ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, નવી દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે, ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો
ગુજરાતમાં 2022ની સરખામણીએ 2024માં ડ્રગ્સ સ્મગલિંગના કેસ દાખલ કરવાના પ્રમાણમાં 25 ટકા અને અને ધરપકડમાં 10 ટકાથી વઘુનો વધારો નોંધાયો છે. 2022માં ડ્રગ્સ સ્મગલિંગમાં 394 કેસ દાખલ કરાયા હતા અને 637ની ધરપકડ કરવામાં આવી હતી.
છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સ મામલે કેસ અને ધરપકડ
વર્ષ | કેસ | ધરપકડ |
2022 | 394 | 637 |
2023 | 477 | 607 |
2024 | 495 | 702 |
કુલ | 1366 | 1946 |