Rain In Amreli : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં લાઠી, લીલીયા, અમરેલી અને બગસરા સહિતના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે.
અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમરેલીમાં આજે (23 ઓગસ્ટ) સવારથી જ લાઠી અને લીલીયા તાલુકામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેમાં લાઠીના દામનગર, તાજપર, રામપર અને કેરાલા જેવા ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. જ્યારે લીલીયાના આંબા, કણકોટ, નાના લીલીયા, સલડી અને ગોધાવદર સહિતના ગામો પણ વરસાદથી તરબતર થયા છે. લીલીયાની બજારોમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા.
અમરેલી અને બગસરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગસરાના માવ જિંજવા ગામ પાસેથી પસાર થતી ગોમતી નદીમાં વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું હતું. અમરેલીના નાના ભંડારીયા અને વડેરા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. નાના ભંડારીયા ગામની શેરીઓમાં નદીઓ માફક પાણી વહેતા થયા હતા અને ગામના વોકળામાં પણ પૂર આવ્યું હતું.
આ સિઝનનો સારો વરસાદ થતાં તલ, કપાસ, મગફળી અને બાજરી જેવા પાકોને મોટો ફાયદો થયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ
વરસાદના કારણે અમરેલી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. વડિયાનો સુપ્રસિદ્ધ સુરવો ડેમ ઓવરફ્લો થતાં તેના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં સુરવો ડેમની નીચે આવતા ગામોને પણ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વરસાદથી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી નાની-મોટી નદીઓ વહેતી થઈ છે, જે આગામી સમય માટે પાણીની સમસ્યા હળવી કરશે.