– જુલાઈના પ્રથમ પખવાડિયાની સરખામણીએ ઓગસ્ટના 15 દિવસમાં
– હોસ્પિટલમાં તાવના દર્દીઓમાં 15 % અને શરદી-ઉધરસના દર્દીઓમાં 42 ટકાનો વધારો નોંધાયો
ભાવનગર : શહેરની સર ટી.હોસ્પિટલમાં જુલાઈ માસના ૧૫ દિવસની સરખામણીએ ઓગસ્ટ માસના ૧૫ દિવસમાં તાવ અને શરદી-ઉધરસના દર્દીઓમાં નોંધપાત્ર ઉછાળો થયો છે. હોસ્પિટલમાં તાવના દર્દીઓમાં ૧૫% અને શરદી-ઉધરસના દર્દીઓમાં ૪૨ ટકાનો વધારો નોંધાયો છે. વરસાદ અને તે બાદ બેવડી ઋતુવાળું વાતાવરણ સર્જાતા તાવ, શરદી-ઉધરસના કેસોમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીઓના કેસો વધવાની સંભાવના છે.
ચોમાસામાં ઋતુજન્ય બિમારીઓ ધીરે-ધીરે માથુ ઉંચકી રહી છે. શહેરની સર ટી. હોસ્પિટલમાં તાવ અને શરીદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત જુલાઈ માસના પ્રથમ પખવાડિયાની સરખામણીએ ચાલુ માસ ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં સર ટી. હોસ્પિટલમાં ૭૮ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં તાવના કેસો ૧૫ ટકા વધીને ૧૧૯ કેસ થયાં છે. તેવી જ રીતે આ જ સમયગાળામાં શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે. ગત માસના પ્રથમ પખવાડિયામાં શરદી-ઉધરસના ૨૭ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ ચાલુ માસના પ્રથમ પખવાડિયામાં શરદી-ઉધરસના કેસો ૪૨ ટકા વધીને ૫૭ દર્દીઓ નોંધયા છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં વરસાદી વિરામ અને બેવડી ઋતુવાળું વાતાવરણ સર્જાતા ઋતુજન્ય બિમારીઓમાં વધારો થયો છે. છેલ્લા છેલ્લા દોઢ મહિના દરમિયાન સર ટી. હોસ્પિટલમાં તાવના કુલ ૪૦૮ અને શરદી-ઉધરસના ૧૬૦ દર્દીઓ નોંધાયા છે. આગામી દિવસોમાં હજુ પણ પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીઓ વધવાની સંભાવના છે.