અમદાવાદ : જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નવા રોકાણકારો ઉમેરવાની ગતિ છ મહિનાની ટોચે પહોંચી ગઈ છે. મહત્વનું એ છે કે ગત મહિને મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાનારા નવા રોકાણકારોની સંખ્યા ૭ લાખ પર પહોંચી છે. નવા રોકાણકારોના ઉમેરા પાછળ ઈન્ડસ્ટ્રીમાં નવા ફંડ ઓફરિંગ (એનએફઓ)ની વધુ સંખ્યાનો મહત્વનો ફાળો રહ્યો છે.
પરમેનન્ટ એકાઉન્ટ નંબરની નોંધણી દ્વારા જુલાઈ, ૨૦૨૫ના અંત સુધીમાં યુનિક ફંડ ઈન્વેસ્ટર્સની કુલ સંખ્યા ૫.૫૯ કરોડ પર પહોંચી ગઈ છે. શેરબજારમાં સુસ્તી વચ્ચે છ મહિનાની મંદી પછી જુલાઈમાં રોકાણકારોની સંખ્યામાં ફરી વધારો થયો છે. ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨ ટકાનો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં લગભગ ૧૨ ટકાનો વધારો થયો હતો.
નિષ્ણાતોના મતે રોકાણકારોના જોડાવાની ગતિ ઇક્વિટી માર્કેટના પરફોર્મન્સ અને નવા ફંડ ઓફરિંગ પર આધાર રાખે છે. જુલાઈમાં ૩૦ સ્કીમોએ તેમના એનએફઓ પૂર્ણ કરી રેકોર્ડ રૂ. ૩૦,૪૧૬ કરોડ એકત્ર કર્યા હતા.
રોકાણકારોની સંખ્યામાં તાજેતરમાં વધારો થયો હોવા છતાં, માસિક રોકાણ ૨૦૨૪ના બીજા છ મહિનાના સ્તરથી નીચે છે. ઈન્ડસ્ટ્રીએ જુલાઈ અને ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે દર મહિને સરેરાશ ૧૦ લાખ નવા રોકાણકારો ઉમેર્યા હતા.