અમદાવાદ,સોમવાર,25 ઓગસ્ટ,2025
ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમમાંથી સાબરમતી
નદીમાં ૬૪૫૦૦ કયુસેક પાણી છોડાતા નદી બે કાંઠે જોવા મળી હતી.સાબરમતી રિવરફ્રન્ટ
પ્રોમિનાડ બીજા દિવસે પણ શહેરીજનો માટે બંધ રાખવામાં આવ્યો હતો.વાસણા બેરેજના ૨૬
ગેટ ૬ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.
સોમવારે સવારે ૭ કલાકથી
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અંદાજે ૬૪૫૦૦ કયુસેક પાણી છોડવામા આવતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
કોર્પોરેશન દ્વારા હાલમા ચાલતા કામના કોન્ટ્રાકટર, એજન્સી ઉપરાંત બુલેટ ટ્રેનના કોન્ટ્રાકટર, રિવરફ્રન્ટ બોટીંગ, ફલોટીંગ રેસ્ટોરન્ટ એજન્સીને જાણ કરી પોલીસને જાણ કરાઈ હતી.જેથી નદીમાં
વહેતા થયેલા પાણીના પ્રવાહના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં.ઉપરવાસમાંથી પાણીની
આવક ચાલુ હોવાથી રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ લોકો માટે બંધ કરાયો હતો.સોમવારે રાતના
આઠ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૨૭.૨૫ ફુટ નોંધાયુ હતુ.સંતસરોવરમાં ૪૯,૮૨૮ કયૂસેક પાણીનો
ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૨૭,૬૪૬ કયૂસેક
પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના ગેટ નંબર-૪થી ૨૯ છ ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા.
સાબરમતીમાં ટ્રેકટર સાથે ત્રણ લોકો ફસાતા શોધખોળ શરુ
સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી છોડાયેલા ૬૪ હજાર કયુસેકથી વધુ
પાણીની વચ્ચે સોમવારે રાતના સવા આઠના સુમારે
વિશાલા બ્રિજ પાસે નદીના પટમાં ટ્રેકટર સાથે ત્રણ લોકો નદીમાં ફસાયાનો કોલ ફાયર વિભાગને
મળતા ફસાયેલાઓની શોધખોળ શરુ કરાઈ છે. ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહીતી
મુજબ, ફાયર વિભાગ
દ્વારા એક રેસ્કયુ બોટ, અધિકારીઓ
અને ફાયરના જવાનો સાથે નદીમાં ટ્રેકટર સાથે ફસાયેલા લોકોને શોધી સલામત બહાર કાઢવાની
કામગીરી શરુ કરાઈ હતી.