– આશરે 5 હજારની વસતી ધરાવતા
– છતમાંથી પોપડાં ઉખડયા, સળિયા બહાર દેખાયા કર્મચારીઓ ભય વચ્ચે કામગીરી કરવા મજબૂર
નડિયાદ : વસો તાલુકાના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામગીરી કરી રહ્યા છે. ત્યારે સત્તાધીશો દ્વારા મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવવા ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે.
વસો તાલુકાના મલિયાતજ ગામ આશરે ૫,૦૦૦ની વસતી ધરાવે છે. ગ્રામ પંચાયતના મકાનમાં ગ્રામ પંચાયતની બેઠકો, ગ્રામ પંચાયતમાં જમીન મહેસુલ તેમજ વિવિધ વેરાની વસુલાત સહીતની વિવિધ કામગીરી કરવામાં આવતી હોય છે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયતના મકાનમાં બેસી ગામના કામોનું આયોજન થાય છે. ત્યારે ગ્રામ પંચાયતનું મકાન છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. મકાનના ધાબાની છતમાંથી પોપડા ઉખડી રહ્યા છે તેમજ કાટ ખાધેલા સળિયા બહાર આવી ગયેલા જોવા મળે છે. ગ્રામ પંચાયતનું મકાન જર્જરીત હાલતમાં હોવાથી કર્મચારીઓ માથે જીવનું જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતનંો નવું મકાન બનાવવા ગ્રામજનોમાંથી માંગણી ઊઠી છે.