મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વના ગવર્નર લીસા કુકને દૂર કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યા બાદ ડોલર ઈન્ડેકસમાં આવેલા કરેકશનની અસરે વૈશ્વિક ગોલ્ડમાં સુધારો જોવા મળ્યો હતો અને ભાવ વધી બે સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે રોકાણકારો ગોલ્ડની ખરીદી તરફ વળ્યા હતા.
ટ્રમ્પના આ પગલાંને લઈને ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એટલું જ નહીં કાનૂની લડત પણ ઊભી થવાની શકયતા જોવાઈ રહી છે એટલું જ નહીં ડોલરની વિશ્વસ્નિયતા સામે પણ પ્રશ્ન ખડો થઈ શકે છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનામાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદી નરમ પડી હતી. બીજી બાજુ રશિયા અને યુક્રેન યુદ્ધ બાબતે હજુ પણ ચિત્ર અસ્પષ્ટ રહેતા અને અમેરિકાએ રશિયા સામે વધુ સખત પગલાંની ચીમકી આપતા ક્રુડ તેલમાં પીછેહઠ જોવા મળી હતી.
ઘરઆંગણે ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ વધી રૂપિયા ૧૦૦૮૮૪ મુકાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૦૪૮૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએેસટી વગરના ભાવ સહેજ નરમ પડી રૂપિયા ૧૧૫૮૭૦ કવોટ થતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૩૮૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૩૫૦૦ સ્થિર મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૬૦૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૩૭૧ ડોલર મક્કમ રહ્યું હતું. ચાંદી ઔંસ દીઠ ૩૮.૪૨ ડોલર સાથે સહેજ નીચી કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૪૪ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૦૮૯ ડોલર મુકાતુ હતું. ડોલરમાં નબળાઈને કારણે ફન્ડ હાઉસોનું સોનામાં આકર્ષણ વધતા સોનાના ભાવ મક્કમ રહ્યા હતા.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અનિશ્ચિતતાને પરિણામે રોકાણકારો અવઢવની સ્થિતિમાં રહ્યા કરે છે. ક્રુડ તેલમાં સ્પષ્ટ દિશા નહીં જણાતા નવા કામકાજ કરવાથી ટ્રેડરો દૂર રહેતા ભાવમાં નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૩.૮૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૮૫ ડોલર કવોટ થતું હતું.