નાગપુર,૩૧ માર્ચ,૨૦૨૫,સોમવાર
મોગલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવવા માટે કેટલાક દક્ષિણપંથી સંગઠનો દ્વારા માંગ ઉઠાવાઇ રહી છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ વિવાદ ચાલી રહયા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક (આરએસએસ)ના વિરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ ઔરંગઝેબ કબર વિવાદને બીન જરુરી ગણાવ્યો હતો.
નાગપુરમાં એક કાર્યક્રમમાં મીડિયાકર્મીઓને સંબોધતા સવાલ જવાબમાં કહયું હતું કે જેની આસ્થા છે તે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી કબર પર જશે. મોગલ બાદશાહ ઔરંગઝેબની કબર અંગે જણાવ્યું હતું આ મુદ્વો અનાવશ્યક છે.
ઔરંગઝેબનું નિધન ભારતમાં થયું હતું માટે તેની કબર પર મકબરો છે. જેની જયાં આસ્થા હશે તે જશે. અમારી પાસે છત્રપતિ શિવાજી મહારાજનો આદર્શ છે જેમણે અફઝલખાનનો મકબરો તૈયાર કર્યો હતો જે ભારતની ઉદારતા અને સર્વ સમાવેશનું પ્રતિક છે. મકબરો જળવાઇ રહેશે અને જેને ત્યાં જવું હશે તે જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મનસેના રાજ ઠાકરેએ પણ ઔરંગઝેબની કબરને લઇને સામ્પ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસોની નિંદા કરી હતી. ઇતિહાસને જાતિ અને ધર્મના ચશ્માથી જોવો જોઇએ નહી. લોકોએ ઐતિહાસિક જાણકારી માટે વ્હોટસએપના ફોરવર્ડ પર ભરોસો કરવો જોઇએ નહી. મોગલ શાસક શિવાજીના વિચારને મારવા ઇચ્છતો હતો પરંતુ નિષ્ફળ રહયો અને મહારાષ્ટ્રમાં જ મોત થયું હતું.