Sanjay Raut On PM Modi : શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ના નેતા સંજય રાઉતે આજે સોમવારે (31માર્ચ, 2025) ખૂબ જ સનસનાટીભર્યું નિવેદન આપ્યું હતું. રાઉતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મુલાકાત કરીને RSSના વડા મોહન ભાગવતને પોતાના રિટાયરમેન્ટની યોજનાઓ વિશે માહિતી આપી હતી. રાઉતે કહ્યું હતું કે , ‘કદાચ મોદી તેમની રિટાયરમેન્ટ અરજી સબમિટ કરવા માટે ત્યાં ગયા હોય. મારી જાણકારી મુજબ, મોદીજી છેલ્લા 10 થી 11 વર્ષમાં ક્યારેય RSS મુખ્યાલયની મુલાકાત લીધી નથી. આ વખતે તે મોહન ભાગવતને કહેવા ગયા હતા કે તે જઈ રહ્યા છે.’ રાઉતના દાવાથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
સંજય રાઉતે શું કહ્યું?
રાજ્યસભા સાંસદ રાઉતે દાવો કર્યો હતો કે, દેશના આગામી વડાપ્રધાનની ચૂંટણીની RSS કરશે. રાઉતે કહ્યું હતું કે, ‘RSS રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્ત્વમાં પરિવર્તન લાવે છે. સંઘ જ હવે આગામી વડાપ્રધાનની ચૂંટણી કરશે અને જે મહારાષ્ટ્રથી થશે. મે RSS વિશે બે વસ્તુ સમજી છે. પહેલી કે, સંગઠન દેશમાં બદલાવ ઈચ્છે છે અને બીજું એ છે કે મોદીજીનો સમય પૂરો થઈ ગયો છે, ત્યારે તેમણે ખુદ બદલાવ ઈચ્છે છે.’ તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ નાગપુરમાં RSS કાર્યલયની મુલાકાત લીધી હતી. જેમાં મોદી સંઘના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરના સ્મારક સ્મૃતિ મંદિર પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
માધવ નેત્રાલયના નવા બિલ્ડિંગના શિલાન્યાસ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘના કાર્યની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ‘100 વર્ષ પહેલાં સંઘના રૂપમાં વાવેલો રાષ્ટ્રીય ચેતનાનો વિચાર આજે એક મહાન વડના વૃક્ષના રૂપમાં વિશ્વની સામે છે. આજે તે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને સતત ઉર્જા આપી રહ્યું છે. સ્વયંસેવક માટે, સેવા એ જીવન છે. આપણે દેવથી દેશ, રામથી રાષ્ટ્રના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.’
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
વડાપ્રધાન મોદી રવિવારે નાગપુરમાં RSS હેડક્વાટર ગયા હતા. જેના એક દિવસ પછી શિવસેના (UBT) નેતા સંજય રાઉતે વડાપ્રધાન મોદીની નિવૃત્તિ અંગે મોટો દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે, ત્યારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે નિવેદન આપ્યું છે અને સંજય રાઉતના દાવાને નકારી કાઢતા કહ્યું હતું કે, ‘પિતાની હાજરીમાં પરિવારના ઉત્તરાધિકારીની ચર્ચા કરવી એ સનાતન સંસ્કૃતિનો ભાગ નથી. આ મુગલોની સંસ્કૃતિ છે. આ બાબતે ચર્ચા કરવાનો હાલ સમય નથી. ભાજપના વરિષ્ઠ નેતા ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્ત્વ કરતા રહેશે. 2029માં ભારત નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે જોશે. તેમના ઉત્તરાધિકારીની શોધ કરવાની કોઈ જરૂર નથી. તેઓ મોદી અમારા નેતા છે અને પદ પર રહેશે.’
આ પણ વાંચો: કુણાલ કામરાના ઘરે પહોંચી મુંબઈ પોલીસ, કૉમેડિયને કહ્યું, ‘તમારો સમય બરબાદ…’
મારી પાસે આવી કોઈ માહિતી નથી: RSSના વરિષ્ઠ નેતા
જ્યારે RSSના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાનની બદલી અંગે કોઈ ચર્ચા થઈ હોવાની કોઈ માહિતી નથી.’ જ્યારે સંજય રાઉતના દાવા વિશે પૂછવામાં આવ્યું કે RSS મહારાષ્ટ્રમાંથી વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારીની પસંદગી કરશે, ત્યારે ભૈયાજી જોશીએ કહ્યું, ‘મારી પાસે આવી કોઈ માહિતી નથી.’ વડાપ્રધાન મોદીની RSS મુખ્યાલય ખાતે ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત અંગે ભૈયાજી જોશીએ કહ્યું, ‘મને લાગે છે કે અહીં આવીને અને માધવ નેત્રાલય કેન્દ્ર ભવનના શિલાન્યાસથી સંસ્થાનું કદ વધ્યું છે.’ તેવી જ રીતે, સંઘના સ્થાપક કે.બી. હેડગેવારની જન્મજયંતિ નિમિત્તે સ્વયંસેવક તરીકે રેશમબાગની તેમની મુલાકાત ખૂબ જ સારી રહી.’