વડોદરા, તા.31 વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા, ગોત્રી, નિલામ્બર સર્કલ આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી તીવ્ર દુર્ગધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સરકારી તંત્રના વિવિધ વિભાગોને અનેક ફરિયાદો કરવા છતાં કોઇ પગલા નહી લેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
ઉલ્લેખનીય છે કે ગ્રીન બરોડાની કોઇને નજર લાગી ગઇ હોય તેમ છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી ગેસ તેમજ કેમિકલની દુર્ગધથી લોકો પરેશાન થઇ ગયા છે. શુક્રવાર તેમજ તે પહેલાં નિલામ્બર સર્કલ અને ગોત્રી, સાંઇનાથ માર્ગ, વાસણારોડ, ઇલોરાપાર્ક વિસ્તારમાં ભયંકર દુર્ગધ મારતાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.
ગોત્રી નિલામ્બર સર્કલ વિસ્તારમાં રહેતા એક રહીશે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી તકલીફ વધી ગઇ છે ગેસની દુર્ગધના કારણે રાત્રિ પડતાંની સાથે જ ઘરના કમ્પાઉન્ડમાં પણ ના બેસાય તેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલીક વખત તો ઘરના બારી અને બારણાં પણ બંધ કરવા પડે છે. ગોત્રી તેમજ આસપાસના વિસ્તારના રહીશો છેલ્લા સાત દિવસથી ખરાબ દુર્ગધનો સામનો કરી રહ્યા છે.
તીર્વ દુર્ગધની સમસ્યા હલ કરવા કોઇને રસ ના હોય તેમ લાગી રહ્યું છે. લોકો જીપીસીબીમાં ફરિયાદ કરીને પણ થાકી ગયા છે. દુર્ગધના કારણે આગામી દિવસોમાં લોકો રસ્તા પર ઉતરે તો નવાઇ નથી.
તીવ્ર દુર્ગધના મુદ્દે પશ્ચિમ વિસ્તારના લોકો એક જૂથ થશે
ગોત્રી બાગમાં ભેગા થવાની સોશિયલ મીડિયામાં ઉઠતી માંગણી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ફેલાતી તીવ્ર દુર્ગધના કારણે હવે સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે.
ફેસબુક તેમજ વોટ્સએપ પર આ દુર્ગધની સમસ્યાને લગતી અનેક પોસ્ટો તેમજ કોમેન્ટો ફરતી થઇ છે. કેટલાંક લોકોએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ધારાસભ્યો તેમજ કોર્પોરેટરોને પણ ફરિયાદ કરવા છતાં કોઇ નિરાકરણ આવતું નથી.
કેટલાંક લોકોએ તો ગોત્રી બાગમાં આ સમસ્યા મુદ્દે આગળ કેવી લડત લડવી તે અંગે ભેગા થવાની પણ ભલામણ કરી હતી જેને લોકોએ સમર્થન આપ્યું હતું. દુર્ગધની આ સમસ્યા કાયમી ના બને તે માટે અત્યારથી જ પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહી છે.
દુર્ગધનું કારણ શોધવા માટે મોનિટરિંગ શરૃ કરી દેવાયું છે
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી રાત્રિના સમયે ફેલાતી દુર્ગધ અંગે જીપીસીબીના રિજિયોનલ ઓફિસર જે.એમ. મહિડાએ જણાવ્યું હતું કે વાતાવરણના કારણે થાય છે. વિવિધ ફેક્ટરીઓની ચિમનીમાંથી નીકળતો ગેસ સામાન્ય સંજોગોમાં ઉપરની તરફ જાય છે પરંતુ રાત્રિ પડતાં હવાની દિશા શહેર તરફી હોવાથી દુર્ગધ ફેલાતી હોય છે. અમે મોનિટરિંગ ચાલું કરી દીધું છે અને નિયમો કરતા વધુ નીચે જઇને ચિમનીમાંથી ગેસ છોડાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
શહેરના નવા વિસ્તારોમાં ફેલાતી દુર્ગધ માથાનો દુઃખાવો
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા રહીશોએ જણાવ્યું હતું કે અગાઉ ઉંડેરા, કોયલી, ગોરવા વિસ્તાર સુધી દુર્ગધ ફેલાતી હતી પરંતુ હવે સુભાનપુરા, ગોત્રી, વાસણારોડ, ગોત્રી અને નિલામ્બર સર્કલ વિસ્તારમાં પણ તીવ્ર દુર્ગધ ફેલાઇ રહી છે.