– માર્ગમાં બન્ને તરફ દબાણોના કારણે
– આખરે ગ્રામજનોની રજૂઆતો બાદ રસ્તાની માપણીનું કામ શરૂ કરીને દબાણોને નોટિસ આપવામા આવી
વિરપુર : મહીસાગર જિલ્લાના વિરપુરથી સરાડીયા ગામ વચ્ચે રસ્તાના નવીનીકરણની કામગારીના પગલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવાનું આયોજન તાલુકા પંચાયત દ્વારા કર્યુ છે.આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખે અધિકારઓને સાથે રાખી રસ્તાની માપણી કરી દબાણકર્તાઓને તાત્કાલિક દબાણ હટાવી દેવા તાકીદ કરી હતી.
વિરપુર તાલુકાના મુકેશ્વર મંદિરથી લઇ સરાડીયાના માર્ગ જે લુણાવાડા મુખ્ય જિલ્લા મથકને જોડતો નવીન માર્ગ આશરે રૂ.૧.૧૩ કરોડના ખર્ચે બનાવશે.જો કે આ વાતને બે વર્ષનો સમય વિતવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.આ રસ્તાની બંને બાજુ દબાણોનો રાફડો ફાટેલો છે. જેમાં કેટલાક મોટા માથાઓના દબાણો હોવાના કારણે ગ્રામ પંચાયતે પગલાં ભરવામાં પાછી પાની કરી છે. જેના કારણે સ્થાનિકો સારા રસ્તાની સુવિધાથી વંચિત રહ્યાં છે. આ અંગે તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે,આ રસ્તા પર દબાણો થયા છે અને ઘણા સમયથી દબાણના પ્રશ્નને લઇ ગ્રામ પંચાયતમાં સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પગલાં ભરાતા ન હતાં.
જેથી જિલ્લા કક્ષાએથી અધિકારીઓને સાથે રાખી રસ્તાની માપણી કરાવી છે અને કોઈ પણ પ્રકારનું દબાણ હશે તો તેને તાત્કાલિક ધોરણે હટાવીશું અને જમીનદોસ્ત કરીશુ.
ચોમાસા દરમ્યાન ગ્રામ પંચાયત દ્વારા મરામત્ત કરવા પાછળ જ મસમોટા નાણાંનો વેડફાટ કરવા છતાં રસ્તાની હાલત દિન પ્રતિદિન કફોડી બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.