![]()
વડોદરા : દુબઇથી ૧.૮૦ કરોડનો સોનાનો પાવડર મોજામાં છુપાવી ભારત
લાવવાના કૌભાંડમાં દુબઇમાં નાણાં ટ્રાન્સફર કરનારા વેપારીનું નામ તપાસમાં ખુલ્યા
બાદ તેણે પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની
અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મંજુસર પોલીસે બાતમીના આધારે અગાઉ વોંચ ગોઠવી
અશોક રમણભાઇ પ્રજાપતિ, વિપુલ દશરથભાઇ પટેલ અને હરિશચંન્દ્ર
અરવિંદ સોલંકીને રૃા.૧.૮૦ કરોડના સોનાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. તપાસમાં કસ્ટમ
ડયુટી ચૂકવવી ન પડે તે માટે ચોરી છુપીથી સોનુ લાવવામાં આવ્યું હોવાનું ખુુલતા
પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપી અશોક પ્રજાપતિએ કબૂલાત
કરી હતી કે, સોના માટેના નાણાં જીતેન્દ્ર રાઠોડે ટ્રાન્સફર
કર્યા હતા.
આમ, આ કેસમાં પોલીસ ધરપકડ કરશે તેમ જણાતા જીતેન્દ્ર
રાઠોડે આગોતરા જામીન અરજી મુકી રજૂઆત કરી હતી કે, તે મની
ટ્રાન્સફરનો વ્યવસાય કરે છે અને તેની પાસે લાયસન્સ છે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે,
તપાસમાં અરજદાર અને આરોપી અશોક વચ્ચે સાત મહિનામાં ૬૦૯ વાર કોલ થયા
હોવાનું સીડીઆરમાં જોવા મળ્યું છે. સોનાની દાણચોરી કરવામાં આવી હોઇ જીએસટી તેમજ
કસ્ટમ સહિતના ડિપાર્ટમેન્ટ પણ હાલ તપાસ કરી રહ્યાં છે ત્યારે અરજી નામંજૂર કરવી
જોઇએ. ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.










