રાહુલના ઉચ્ચારણ મુદ્દે ભાજપી કાર્યકરો ધસતા સામે કોંગ્રેસે બાંયો ચડાવી : સામસામા ઉગ્ર સૂત્રોચ્ચારો સાથે ઝપાઝપી, ટ્રાફિક જામઃ કોંગ્રેસના કાર્યાલય પાસે પોલીસ ખડકી દેવાઈ : ભાજપ કાર્યકરોની અટકાયત
રાજકોટ, : બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન અંગે કરેલા ઉચ્ચારણો સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે રાજકોટ ભાજપના કાર્યકરો જિ.પં.ચોકમાં ભેગા થઈને રેસકોર્સ રીંગરોડ પર આવેલા કોંગ્રેસના કાર્યાલય તરફ ધસી જતા અને સામે કોંગ્રેસે પણ તૈયારી કરીને ૨૦૦ જેટલા યુવા કાર્યકરોને તૈનાત કરી દેતા તંગદિલી જેવો માહૌલ સર્જાયો હતો. પોલીસ મોટી સંખ્યામાં ખડકાઈ ગઈ હતી અને ભાજપ કાર્યકરોની અટકાયત કરી હતી. બન્ને પક્ષના કાર્યકરોએ ગાંધી અને મોદી વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરતા ભારે હંગામો સર્જાયો હતો.
ભાજપના મહિલાઓની વિશેષ હાજરી સાથે આશરે 300થી વધારે કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય તરફ ધસવા લાગ્યા હતા જ્યાં ઉગ્ર દેખાવો કરી કોંગ્રેસને ઘેરવાનું આયોજન હતું. તો સામા પક્ષે માથાકૂટ થાય તો લડી લેવાની તૈયારી કરીને કોંગ્રેસના કાર્યકરો કાર્યાલયે એકત્ર કરી દેવાયા હતા.
સ્થિતિ પારખીને પોલીસે કાર્યાલય પાસેનો રસ્તો બેરીકેટ લગાવીને બંધ કરી દીધો હતો. ભાજપના કાર્યકરો તે બાજુ ધસતા પોલીસે અટકાવ્યા હતા, એક તરફ ભાજપના કાર્યકરોએ જો મા કો ગાલી દેતે હૈ,વો દલ્લા હૈ, રાહુલ ગાંધી માફી માંગો જેવા પ્લેકાર્ડ દર્શાવીને રાહુલ ગાંધી હાય હાયના સૂત્રોચ્ચારો કર્યા તો સામે કોંગ્રેસે વોટ ચોર ગદ્દી છોડ, મોદી હાય હાય સૂત્રોચ્ચારો કરતા મામલો તંગ બની ગયો હતો.પોલીસે ભાજપના કાર્યકરોની અટકાયત કરી હતી. સાંજના પીકઅવર્સમાં આ હંગામાથી રેસકોર્સ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.