Gujarat Politics Sabarkantha: ઇડરના ટાઉનહોલમાં નિવૃત શિક્ષકના સન્માન સમારોહમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે જણાવ્યુ કે, ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરશનદાસ સોનેરીને હરાવવા માટે 1995 ભ્રષ્ટાચારનું જુઠ્ઠાણુ ફેલાવીને ભાજપે સત્તા મેળવી હતી. જે બદલ કરશનદાસ સોનેરીને પૃથ્વીરાજ પટેલે પગે પડી માફી માગી હતી. જેને લઇ ભાજપમાં હડકંપ મચી ગયો હતો.
ઇડરની સત્તા મેળવવા 1995માં ભાજપે જુઠ્ઠાણું ચલાવીને પ્રચાર કર્યો
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પૃથ્વીરાજ પટેલે જણાવ્યું કે, ઇડરના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કરશનદાસ સોનેરીની લોકચાહના 1995માં ચરસસીમાએ હતી અને ચૂંટણીમાં હરાવવા તેઓને મુશ્કેલ હતા. 1995માં ભાજપના રમણલાલ વોરાને જીતાડવા માટે પૃથ્વીરાજ પટેલે ગામે ગામ સભાઓ કરીને કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. 25 વર્ષથી કરશનદાસ સોનેરીએ ઇડરની જનતાને મૂર્ખ બનાવીને ભ્રષ્ટાચાર કર્યો છે અને ગોવામાં હોટેલો ખરીદી છે. આ પ્રચારના કારણે 1995માં કરશનદાસ સોનેરીની હાર થઇ હતી અને ભાજપે ઇડર બેઠક આંચકી લીધી હતી.
વોરાની જમીન પર પૃથ્વીરાજ પટેલનું વિવાદાસ્પદ નિવેદન
હાલના ધારાસભ્ય રમણલાલ વોરાની ગાંધીનગર પાસે 13 કરોડની જમીન ખરીદી છે. તેમના પુત્રો હોટેલ બનાવશે અને જો મને ઉદ્દઘાટનમાં આમંત્રણ આપશે તો જરૂરથી જઇશે તેમ પૃથ્વીરાજ પટેલે કહીને રમણલાલ વોરાને ટોણો માર્યો હતો.
આ પણ વાંચો: ‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન
બે વખત જિલ્લા ભાજપના પ્રમુખ રહેલા અને ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રભારી રહેલા પૃથ્વીરાજ પટેલના નિવેદનથી તાલુકા, જિલ્લાથી લઈ રાજ્ય ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના આગેવાનોએ આ નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવી હાથ ખંખેરી રહ્યા છે.