![]()
આણંદ જિલ્લામાં બીજા દિવસે વરસાદ, બોરસદના મકાનમાં વીજળી પડી
ઉમરેઠની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ ખેતરો બેટમાં ફેરવાતા ડાંગર, કેળ અને તમાકુના ધરૂવડિયાને નુકસાનનો ભય
આણંદ: આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ઉમરેઠમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ અને બોરસદમાં અઢી ઇંચ વરસાદ પડતા ઠેરઠર જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી. ઉમરેઠ શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભય છે. જયારે જિલ્લાના આણંદમાં દોઢ,ખંભાતમાં એક ઇંચ અને અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ પડયો હતો.
આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ઉમરેઠમાં સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ પડયો હતો. ઉમરેઠથી ડાકોર, ઉમરેઠથી આણંદ અને ઉમરેઠથી સારસા જવાના રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરની વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા.સોસાયટીઓમાં પાણી ભરાતા વીજ પુરવઠો ઠપ થયો હતો.
બોરસદમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો અને શહેરની ટાવર વિસ્તારના સોખડીયા ખડકીના મકાનમાં વિજળી પડી હતી. મકાનના ધાબાની પેરાફીટ ઉપરથી સિમેન્ટ અને ઇંટો ઊખડી ગઈ હતી. પેરાફીટ ઉપર તિરાડ પણ પડી ગઈ હતી. વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારો અને મહી નદીના કાંઠાના ૨૦થી વધુ ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. મોટાભાગના રસ્તા પર એક ફૂટથી વધુ પાણી ભરાઇ જવાથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
તાલુકાના ગામનો ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ડાંગર, બાજરી,કેળ, તમાકુના ધરૂવડિયા,શાકભાજીના નુકસાન થવાની દહેશત છે.
જયારે આણંદ જિલ્લામાં સરેરાશ ૨૯ ઇંચ વરસાદ પડયો છે. જયારે બોરસદમાં ૩૯, આણંદમાં ૩૯, ઇંચ સિઝનનો વરસાદ નોંધાયો છે.
– બોરસદના વિવિધ વિસ્તારોના મકાનોમાં પાણી ભરાતા મુશ્કેલી
ભારે વરસાદથી બોરસદમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે આણંદ ચોકડી વિસ્તારની અન્નપૂર્ણા સોસાયટી, ડી.કે નગર, કૃષ્ણનગર, ધરતીનગર વિભાગ એક- બે, સહિતની સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી જતા મહિલાઓને પાણી ઉલેચવાની ફરજ પડી હતી. બોરસદના વન તળાવ વિસ્તાર ટાઉનહોલ વિસ્તાર ભોપા ફળી. તથા વાંસકુવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.
– બોરસદ, આંકલાવ તાલુકાના 30 ગામોમાં પૂર જેવી સ્થિતિ
ભારે વરસાદના કારણે કઠોલ, ગાંજણા કંકા પુરા, રાસ, ઝરોલા, બિલપાડ, નવાખલ સહિત ૩૦થી વધુ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ખેતરો બેટમાં ફેરવાયા હતા અને રોડ પર પાણી ભરાતા જીવનજીવનને અસર થઇ હતી.
ખેડા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ
નડિયાદ શહેરમાં ત્રણ ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા
શહેરના રબારીવાડ, વીકેવીરોડ,ત્રણ ગરનાળા સહિત નિચાણાવાળા વિસ્તારો જળબંબાકાર
નડિયાદ: નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. નડિયાદમાં વધુ ૩ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીનવને અસર થઇ હતી. જિલ્લામાં સિઝનનો ૮૧૪.૪ મિ.મી. વરસાદ નોંધાયો છે.
ખેડા જિલ્લામાં બે દિવસથી વરસાદ પડતા નદીઓ, તળાવો, ચેકડેમો છલકાવા લાગ્યા છે. નડિયાદમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રબારીવાડ,વીકેવી રોડ, શ્રેયસ ગરનાળા, માઈ મંદિર ગરનાળા અને ખોડિયાર ગરનાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને મુશ્કેલી ઉભી થઇ હતી અને વિઝિબિલિટી ઘટી ગઇ હતી. તંત્ર દ્વારા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આજે સવારે ૬થી બપોરના ૨ વાગ્યા સુધીામાં ખેડા જિલ્લામાં સરેરાશ ૨૦.૩ મિ.મી. વરસાદ નોંધાયો છે અને નડિયાદ તાલુકામાં સૌથી વધુ ૭૬ મિ.મી. ,વસોમાં ૩૮ મિ.મી., ગળતેશ્વરમાં ૨૨ મિ.મી., મહુધામાં ૨૦ મિ.મી., મહેમદાવાદમાં ૧૩ મિ.મી., ઠાસરામાં ૧૦ મિ.મી., ખેડામાં ૯ મિ.મી., માતરમાં ૭ મિ.મી., કઠલાલમાં ૬ મિ.મી. અને કપડવંજમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. આજના વરસાદ બાદ સમગ્ર જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૮૧૪.૪ મિ.મી. થયો છે.
ખેડા જિલ્લામાં વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ
અતિવૃષ્ટિના કારણે ખેડા જિલ્લામાં કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઠાસરા-ગોપલા રોડ ઓવરટોપિંગને કારણે બંધ છે અને તેના વૈકલ્પિક રૂટ તરીકે લહેરાવી ગોપલા રોડનો ઉપયોગ કરી શકાય છે. તેવી જ રીતે, ઠાસરા-ચંદ્રાવલ રસુલપુર એકલવેલુ રોડ પણ ઓવરટોપિંગને લીધે બંધ કરાયો છે. આ રસ્તાના વાહનચાલકો રસુલપુરથી ઠાસરા થઈને ડાકોર-સેવાલીયા સ્ટેટ હાઈવે અથવા એકલવેલુથી ચંદ્રાવલ થઈને કપડવંજ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકે છે. નડિયાદ-ઠાસરા રોડ પર ચકલાસી વાલોડા માઈ મંદિર રોડ અને ચકલાસી-ખેડા રોડ ઓવરફ્લો થતા પાણીના કારણે બંધ છે, જેના કારણે ૨૯/૦૮/૨૦૨૫થી વાહનવ્યવહાર અટકી ગયો છે. આ રસ્તા માટે ચકલાસી વાલોડાથી કઠલાલ રોડ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ગળતેશ્વર-પોલરી મુવાડીથી વાઘારોલી રોડ પણ ઓવરટોપિંગને કારણે બંધ છે, અને તેના બદલે જરગાવથી પોલરી મુવાડીનો ઉપયોગ થઈ શકે છે.










