Ahmedabad Airport News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઇટ FZ 437 દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા16 લાખની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેને તેણે પોતાની ટ્રોલી બેગના વ્હીલના પોલા ભાગમાં છુપાવ્યું હતું.
કસ્ટમ્સ અધિકારીઓને પેસેન્જરની હિલચાલ પર શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તપાસ કરતા, અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્યતા જોવા મળી હતી. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં વ્હીલની અંદર સિલિન્ડર આકારના નક્કર સોનાના ટુકડા છુપાવેલા મળી આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપાયા
કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા મુજબ, દાણચોરો સ્કેનર અને વિઝ્યુઅલ તપાસથી બચવા માટે સતત નવી અને અનોખી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ પહેલા પણ સોનું બેગના હેન્ડલમાં કપડાની લાઈનિંગમાં અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં છુપાવેલું મળી આવ્યું છે.
જપ્ત કરાયેલા સોનાની કિંમત ઘરેલુ બજારમાં આશરે રૂપિયા16 લાખ છે, અને તેને કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. પેસેન્જરની અટકાયત કરવામાં આવી છે અને આ દાણચોરી પાછળ કોઈ મોટી સિન્ડિકેટ છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.