– ઠાડચ ગામે વાવણીયો લેવા જઈ રહ્યાં હતા
– ટીમાણા ગામના બેઠલા પુલ પરથી પસાર થઈ રહેલા પાણીમાંથી ટ્રેક્ટર કાઢવા જતાં દુર્ઘટના ઘટી
ભાવનગર : તળાજા તાલુકાના ટીમાણાના ગામના બેઠેલા પુલ પરથી પસાર થઈ રહેલા પાણીમાંથી ટ્રેક્ટર કાઢવા જતાં ભદ્રાવળના વૃદ્ધ ટ્રેક્ટર સાથે નદીમાં ડૂબ્યા હતા. જેની જાણ તળાજા ફાયર વિભાગને કરતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે જઈ મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવ અંગે તળાજા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.
તળાજા તાલુકાના ભદ્રાવળ-૩ ગામે રહેતા વલ્લભભાઈ નાનજીભાઈ માંગુકીયા (ઉ.વ.૬૫) આજે સવારના સમયે ઠાડચ ગામે ટ્રેક્ટર લઈને વાવણીયો લેવા જઈ રહ્યાં હતા ત્યાં ૮ કલાકના અરસામાં ટીમાણા ગામે શેત્રુંજી નદી પરના બેઠા પુલ પરથી પસાર થઈ રહેલા પાણીના પ્રવાહમાંથી તેમણે ટ્રેક્ટર ચલાવ્યું હતું. આ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહને કારણે ટ્રેક્ટર પાણીમાં તણાવવા લાગ્યું હતું અને ટ્રેક્ટર સાથે તેઓ પણ શેત્રુંજી નદીમાં તણાયા હતા. આ દરમિયાન નદી કિનારે કપડા ધોઈ રહેલી મહિલાઓએ અન્ય ગ્રામજનોને જાણ કરતા સ્થાનિકોએ તળાજા ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ તળાજા ફાયર સ્ટાફે ઘટના સ્થળે જઈ પાંચ કલાકની જહેમત બાદ તેમના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવ અંગે તળાજા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.