Citizenship Amendment Act : કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સીએએ અધિનિયમની અગાઉ તારીખ 31 ડિસેમ્બર-2014 હતી, જે હવે વધારીને 2024 કરવામાં આવી છે. નિર્ણય મુજબ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક સતામણીનો ભોગ બનીને ભારતમાં આવેલા લઘુમતી સમુદાયના સભ્યો, જેમાં હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે, તેમને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ આદેશ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ જારી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ લોકોને 31 ડિસેમ્બર-2024 સુધી ભારતમાં પ્રવેશ્યા હોય તો પણ પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો વિના રહેવાની મંજૂરી મળશે.
અગાઉ 2014 સુધી ભારત આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ હતી
સીએએ ગયા વર્ષે અમલમાં આવ્યો હતો. CAA હેઠળ 31 ડિસેમ્બર-2014 સુધી ભારતમાં આવેલા ઉપર મુજબના લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. જોકે, નવા આદેશમાં 2024 સુધી આવેલા લોકોને પણ માન્ય દસ્તાવેજો વિના રહેવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ધાર્મિક સતામણીના ડરથી આશ્રય લેવા આવેલા અને જેમની પાસે કોઈ દસ્તાવેજો નથી અથવા જેમના દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ છે, તેમને પણ મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો : છત્તીસગઢમાં ગણપતિ વિસર્જન કરવા જતા ભક્તોની ભીડને અજાણ્યા વાહને કચડ્યાં, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત
નવા નિયમથી અનેક લોકોની ચિંતા દૂર થઈ
અત્યાર સુધી, 2014 પછી આવેલા લોકોને કાયદાકીય સ્થિતિ અંગે અનિશ્ચિતતા હતી. આ નવા નિયમથી તેમની ચિંતા દૂર થઈ છે. આ નિર્ણયનો હેતુ ધાર્મિક ભેદભાવથી પીડિત લોકોને કાયદાકીય પડકારો વિના ભારતમાં રહેવાની તક પૂરી પાડવાનો છે. આ નિર્ણયના કારણે ભારતીય પાસપોર્ટ અધિનિયમ-1920, અને ફોરેનર્સ એક્ટ-1946 જેવી કલમોમાંથી મુક્તિ મળી છે. આ અધિનિયમો હેઠળ વિદેશીઓને ભારતમાં રહેવા માટે માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવા ફરજિયાત છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ નિર્ણયથી હજારો શરણાર્થીઓને ફાયદો થશે, જેમાં ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓની મોટી સંખ્યા છે. આ એક માનવીય પહેલ છે, જે ધાર્મિક રીતે પીડિત લોકોને આશરો આપે છે.
સીએએ કાયદો એટલે શું ?
નાગરિકતા સુધારા કાયદો-2019 સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો એક કાયદો છે. આ કાયદો 1955ના નાગરિકતા સુધારણા કાયદામાં ફેરફાર કરીને લવાયો છે. નવા કાયદાનો મુખ્ય હેતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવાનો છે. આ કાયદા હેઠળ-31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ગેરકાયદેસર પ્રવાસી ગણવામાં આવશે નહીં. આ કાયદો ફક્ત હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ જેવા બિન-મુસ્લિમ સમુદાયોને જ લાગુ પડે છે, જેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવ્યા છે.
આ પણ વાંચો : ‘ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે’, જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત