Curfew Relaxed in Leh After Three Days : લદાખમાં થયેલી હિંસા બાદ લેહ શહેરમાં ત્રણ દિવસે કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે. બપોરના સમયે તબક્કાવાર વિવિધ વિસ્તારોમાં ચાર કલાક સુધી કરફ્યુમાં છૂટ આપવામાં આવી. કરફ્યુમાં છૂટ મળતા જ મોટી સંખ્યામાં લોકો એટીએમની બહાર કતારમાં જોવા મળ્યા. હાલ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે અને કોઈ પણ અપ્રિય ઘટનાની સૂચના મળી નથી.
DGP એસ ડી સિંહ જામવાલે જણાવ્યું છે કે લેહ શહેરના જૂના વિસ્તારમાં 1થી 3 જ્યારે નવા વિસ્તારોમાં 3.30થી 5.30 વાગ્યા સુધી કરફ્યુમાં છૂટ આપવામાં આવી હતી. આજે લદાખની કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે હાઈલેવલ બેઠક પણ યોજાઈ હતી.
સોનમ વાંગચુક પર હિંસા ભડકાવવાનો આરોપ
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા તથા છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માંગ ઉઠી રહી હતી. જે બાદ હિંસા ફાટી નીકળી જેમાં ચાર લોકોના મોત થયા જ્યારે 90થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. હિંસા બાદ શહેરમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. હિંસા બાદ તંત્રએ સોનમ વાંગચુક પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.
સોનમ વાંગચુકની ધરપકડ બાદ હવે તપાસનો ધમધમાટ
ડીજીપીએ સોનમ વાંગચુકને હિંસાનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. આટલું જ નહીં તપાસ એજન્સીઓ હવે સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથેના સંબંધો અંગે પણ તપાસ કરી રહી છે. આરોપ છે કે પાકિસ્તાનનો જાસૂસ તેમના સંપર્કમાં હતો. વાંગચુકની વિદેશ યાત્રાઓ પર પણ તપાસ કરવામાં આવી રહી છે. લદાખ પોલીસનો દાવો છે કે સોનમ વાંગચુકના ભડકાઉ ભાષણના કારણે ટોળાંએ સરકારી ઈમારતો અને વાહનોમાં આગચંપી કરી હતી. જો તેમણે પહેલા જ ભૂખ હડતાળ સમાપ્ત કરી નાંખી હોત તો હિંસા થઈ ના હોત.
આટલું જ નહીં લદાખના એલજી ( ઉપરાજ્યપાલ ) કવિન્દ્ર ગુપ્તાએ લદાખની હિંસામાં વિદેશી ષડયંત્રની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે હિંસામાં નેપાળના ત્રણ નાગરિકો ગોળી વાગવાના કારણે ઈજાગ્રસ્ત થયા છે.
લદાખ હિંસા મામલે અત્યાર સુધી 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. લદાખના સ્થાનિક કોર્પોરેટર પર પણ હિંસા ભડકાવવાનો આરોપ છે.