Madhya Pradesh Political News : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં આવેલી મહારાજા યશવંતરાવ સરકારી હોસ્પિટલમાં ઉંદરો કરડવાથી બે નવજાત બાળકીઓના કથિત મૃત્યુને પગલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘આ ઘટના એટલી ભયાનક, અમાનવીય અને અસંવેદનશીલ છે કે, તેને સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય.’ જોકે, હોસ્પિટલ પ્રશાસન અને રાજ્ય સરકારે ઉંદરો કરડવાથી બાળકોના મોત થયા હોવાનો ઈનકાર કર્યો છે.
સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય તેવી ઘટના : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના વોટ્સએપ ચેનલ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ઉંદરના કરડવાથી બે નવજાત શિશુના મોત થયા, આ કોઈ દુર્ઘટના નથી, હત્યા છે. આ ઘટના એટલી ભયાનક, અમાનવીય અને અસંવેદનશીલ છે, જે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય છે.’
‘સરકારી હોસ્પિટલો ગરીબો માટે મોતનો ઉડ્ડો બની’
તેમણે વધુમાં કહ્યું કે, ‘એક માતાના ખોળામાંથી તેનું બાળક છીનવાઈ ગયું, કારણ કે સરકારે પોતાની સૌથી મહત્ત્વની જવાબદારી નિભાવી નથી. સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રને જાણીજોઈને ખાનગી હાથોમાં સોંપવામાં આવી, જેના કારણે હવે સારવાર માત્ર ધનિકો માટે જ રહી છે અને ગરીબો માટે સરકારી હોસ્પિટલો જીવનદાતા નહીં પણ મોતના અડ્ડા બની ગઈ છે.’
આ પણ વાંચો : 20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર
‘નવજાત બાળકોની સુરક્ષા પણ કરી શકતા નથી’
કોંગ્રેસ નેતાએ મોહન યાદવની સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘જ્યારે તમે નવજાત બાળકોની સુરક્ષા પણ કરી શકતા નથી, તો સરકાર ચલાવવાનો શું અધિકાર છે? તંત્ર દર વખતની જેમ તપાસ થશે, તેવું કહીને જવાબદારીમાંથી છટકી જાય છે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને મુખ્યમંત્રી યાદવ (CM Mohan Yadav)ને શરમથી માથું ઝુકાવી લેવું જોઈએ, કારણ કે તેમની સરકારે કરોડો ગરીબો પાસેથી સ્વાસ્થ્યનો અધિકાર છીનવી લીધો છે અને હવે માતાના ખોળામાંથી બાળકો પણ છીનવી રહ્યા છે.’
શું હતો મામલો
આ ઘટના ઈન્દોરની મહારાજા યશવંતરાવ હોસ્પિટલના NICU વોર્ડની છે, જ્યાં બે નવજાત બાળકોને ઉંદરોએ કરડ્યા હોવાના આરોપો બાદ તેમના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજ્ય સરકાર ઉપરાંત માનવાધિકાર પંચે પણ નોંધ લીધી છે. સરકારે દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો : પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’