વડોદરાઃ વડોદરા શહેરમાં ગ્રાન્ટેડ સ્કૂલોનો અને તેમાં પણ ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલોનો યુગ વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે અસ્તાચળ તરફ છે.દર વર્ષે ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગો ઓછા થઈ રહ્યા છે.૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં પણ વડોદરાની ૧૦ ગ્રાન્ટેડ સ્કૂલોએ પોતાના વર્ગો બંધ કરવા માટે ડીઈઓ કચેરી સમક્ષ દરખાસ્ત મૂકી છે.
કચેરીના સૂત્રોનું કહેવું છે કે, ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગ ચાલુ રાખવા હોય તો શહેરી વિસ્તારમાં વર્ગ દીઠ ૩૬ વિદ્યાર્થીઓની હાજરી જરુરી હોય છે.જો વર્ગમાં ૧૫ થી ૨૦ જ વિદ્યાર્થીઓ હોય તો સ્કૂલોએ વર્ગ બંધ કરવા માટે દરેક વર્ષે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં દરખાસ્ત મોકલવાની હોય છે.આ વર્ષે ૧૦ માધ્યમિક સ્કૂલોએ ધો. ૯ થી ૧૨ના વર્ગો બંધ કરવા દરખાસ્ત મોકલી છે.તેના પર આગામી દિવસોમાં હિયરિંગ કરાશે અને સ્કૂલોને વર્ગ બંધ કરવા માટે મંજૂરી અપાશે.જેમાં ભણતા વિદ્યાર્થીઓને આસપાસની અન્ય સ્કૂલોમાં પ્રવેશ અપાશે અને ફાજલ પડેલા શિક્ષકોને અન્ય સ્કૂલોમાં મોકલવામાં આવશે. ૧૦ પૈકીની ત્રણ સ્કૂલો તો એવી છે જેણે માધ્યમિક વિભાગના તમામ વર્ગો બંધ કરવા માટેની દરખાસ્ત રજૂ કરી છે.
કઈ સ્કૂલોએ વર્ગો બંધ કરવા દરખાસ્ત કરી
ફતેગંજની નવયુગ સ્કૂલઃ ધો.૯નો એક વર્ગ
સુભાનપુરા વિસ્તારની વિદ્યા વિકાસ સ્કૂલઃ ધો. ૯ થી ૧૨ના તમામ ચાર વર્ગ
બરાનપુરાની ભારતી વિદ્યાલયઃ ધો.૯ થી ૧૨ના તમામ વર્ગ
ગોત્રીની સહકાર વિદ્યાલયઃ ધો.૯ અને ૧૦ના એક એક વર્ગ
હરણી રોડ પરની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયઃ ધો ૯ અને ૧૦નો એક એક વર્ગ
વિશ્વામિત્રી બ્રિજ પાસેની સયાજી વિદ્યા વિહારઃ ધો.૧૦નો એક વર્ગ
સ્ટેશન વિસ્તારની પ્રતાપ વિદ્યાલયઃ ધો.૯નો એક વર્ગ
ભૂતડીઝાંપા વિસ્તારની ન્યૂએરા ગર્લ્સ વિદ્યાલયઃ ધો.૧૦નો એક વર્ગ
ડભોઈની આર જી પંડયા વિદ્યાલયઃ ધો.૯ અને ૧૦નો એક-એક વર્ગ