મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) માળખામાં કરાયેલા ફેરબદલની દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર જોવા મળશે એમ બેન્ક ઓફ અમેરિકા (બોફા) દ્વારા મત વ્યકત કરવામાં આવ્યો છે.
તાજેતરના વર્ષમાં જીએસટીનો અસરકારક દર ૧૧ ટકા રહ્યો છે અને વર્તમાન નાણાં વર્ષમાં આ દર ૧૦.૯૦ ટકા રહેવા અંદાજ મુકાયો છે.
જીએસટીના દરમાં ફેરબદલને કારણે દેશની તિજોરીને રૂપિયા ૪૮૦૦૦ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે જે જીડીપીના ૧૩ બેઝિસ પોઈન્ટ જેટલું થવા જાય છે.
નુકસાનીનો આંક અંદાજ કરતા સાધારણ વધી જશે તો પણ મજબૂત ઉપભોગ તથા ઈનપુટ ટેકસ ક્રેડિટના નીચા દાવા થોડીઘણી નુકસાનીને ભરપાઈ કરી શકશે એમ બેન્કે તેના રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરી છે.
જીએસટીના નીચા દરને કારણે ફુગાવો ઘટશે અને ઉપભોગમાં વધારો થશે જેને કારણે રિઝર્વ બેન્કને નાણાં નીતિમાં વધુ લવચિકતા મળી રહેશે. જો કે રિઝર્વ બેન્ક કોઈપણ નિર્ણય આવનારા ડેટા પ્રમાણે લેશે વ્યાજ દર ઘટાડવામાં કોઈ ઉતાવળ નહીં કરે.
રાજકોષિય બાજુએ જીએસટી દરમાં કપાતથી સરકારની નાણાં સ્થિતિ પર ખલેલ નહીં પડે. વર્તમાન નાણાં વર્ષ માટે દેશની રાજકોષિય ખાધ જીડીપીના ૪.૪૦ ટકા રહેવાની ધારણાંને બોફાએ જાળવી રાખી છે.