વડોદરાઃ વડોદરાની એક એમ્પ્લોયમેન્ટ એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવેલા ઓડિશાના યુવક પર કંબોડિયામાં ગુજારવામાં આવેલા અત્યાચારના બનાવને પગલે મેનપાવર સપ્લાયની ઓથમાં માનવ તસ્કરીનો કૌભાંડની આશંકાની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
સુભાનપુરાની યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ નામની એજન્સી દ્વારા ઓડિશાના યુવકને વિયેતનામના નામે કંંંબોડિયાની નામ વગરની કંપનીમાં નોકરી અપાવી હતી.જે કંપનીમાં ઓનલાઇન ફ્રોડ કરવાનું નેટવર્ક ચાલતું હોવાથી યુવકે નોકરી છોડી હતી.
પરંતુ નોકરી છોડતાં જ તેની પાસે ૨૮૨૦ ડોલર માંગવામાં આવ્યા હતા અને આ ડોલર નહિ આપે તો તેને બીજી કંપનીને ૨૦૦૦ ડોલરમાં વેચી દેવાની ધમકી અપાઇ હતી.જેથી માંડમાંડ છૂટને ભારત આવેલા યુવકે ફરિયાદ કરતાં પોલીસે એજન્સીના એમડી મનિષ હિંગુની અગાઉ ધરપકડ કરી હતી.
આ કિસ્સામાં કંબોડિયાના એજન્ટો સાથે સંકળાયેલા એજન્ટ વકીલ અહમદ ઉર્ફે વિક્કી રઇશ અહમદ(ધરમપુરા,દ્વારિકા,ન્યુદિલ્હી) ની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે.પરંતુ એજન્ટ ગલ્લાતલ્લા કરી રહ્યો છે.આ ઉપરાંત ફરાર સાગરીત ક્રિષ્ણા પાઠકના પણ કંબોડિયામાં સંપર્કો હોવાની વિગતો જાણવા મળી છે.જેથી તે પકડાય તો કંબોડિયાનું ઓનલાઇન ફ્રોડ કંપનીઓનું નેટવર્ક પકડાય તેવી શક્યતા છે.પોલીસે આરોપીઓની કોલ્સ ડીટેલ પણ મેળવી છે.
ઓડિશાના યુવકે ઓનલાઇન ફરિયાદ કરી હતી,હવે ઓળખપરેડ માટે આવવું પડશે
કંબોડિયાની ફ્રોડ કરતી કંપની તેમજ ઓનલાઇન ઠગાઇનું નેટવર્ક જાણવા માટે મુંબઇ એરપોર્ટ પરથી પકડાયેલા એજન્ટની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે.આ માટે એજન્ટની ઓળખ પરેડ જરૃરી હોવાથી ઓડિશાના એજન્ટને વડોદરા બોલાવવામાં આવ્યો છે.નોંધનીય છે કે,આ ગુનામાં ભોગ બનેલા ઓડિશાના યુવકે ગયા વર્ષે વડોદરા પોલીસ કમિશનરને ઓનલાઇન ફરિયાદ કરી હતી અને તેને આધારે ગુનો નોંધાયો હતો.