વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં હંગામી અધ્યાપકોની નિમણૂક માટે સત્તાધીશોએ કાર્યવાહી શરુ કરી છે.જેના ભાગરુપે તમામ ફેકલ્ટીઓ પાસેથી હંગામી અધ્યાપકોના કાર્યભારની જાણકારી યુનિવર્સિટીની વર્કલોડ કમિટિએ મંગાવી લીધી છે.
સૂત્રોનું કહેવું છે કે, નવા શૈક્ષણિક વર્ષમાં વિવિધ ફેકલ્ટીઓમાં અને હાયર પેમેન્ટ કોર્સમાં થઈને ૮૦૦ જેટલા હંગામી અધ્યાપકોની નિમણૂક કરવામાં આવશે.તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે ચાર વર્ષના કોન્ટ્રાકટ પરના અધ્યાપકોની ભરતી બંધ કરી હતી અને આ અધ્યાપકોની ભરતી પણ નવા વર્ષમાં શરુ કરવામાં આવશે.
આજે વર્કલોડ કમિટિની બેઠક મળી હતી અને તેમાં થયેલી ચર્ચા પ્રમાણે એકાદ સપ્તાહમાં હંગામી અધ્યાપકો પાસે અરજીઓ મંગાવવાનું શરુ કરાશે.મે મહિનામાં તમામ ફેકલ્ટીઓમાં હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂની કાર્યવાહી પૂરી કરાશે.સત્તાધીશોનો ટાર્ગેટ તા.૧૬ જૂન સુધીમાં હંગામી અધ્યાપકોને એપોઈન્ટમેન્ટ ઓર્ડર આપી દેવાનો છે.જેથી નવા શૈક્ષણિક વર્ષના પહેલા દિવસથી હંગામી અધ્યાપકો ફરજ બજાવી શકે.
સાથે સાથે આજની બેઠકમા હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતની નીતિનો અમલ કરવાને લઈને લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી.જો આ નીતિનો અમલ થયો તો કાયમીની સાથે સાથે હંગામી અધ્યાપકોની પણ ૫૦ ટકા બેઠકો અલગ અલગ કેટેગરીમાં અનામત રાખવામાં આવી શકે છે.
જોકે વાઈસ ચાન્સેલર ડો.ધનેશ પટેલે કહ્યું હતું કે, આ મુદ્દા પર ચર્ચા થઈ છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.