જંગલેશ્વર, હુડકો ક્વાર્ટર, નાણાવટી ચોક બાદ વધુ એક ડિમોલિશન
બંને ઓરડીઓ ભાડે આપી દીધી હતી, ગેરકાયદે વીજ કનેક્શન પીજીવીસીએલે કાપી નાખ્યું
રાજકોટ: રાજકોટમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે પોલીસે આજે ગિરનાર સિનેમા નજીક આવેલી બૂટલેગરની બે ઓરડીઓ ઉપર બૂલડોઝર ફેરવી દીધું હતું. એટલું જ નહીં તેમાં લગાડેલા ગેરકાયદે વીજ કનેકશનો પણ કપાવી નાખ્યા હતાં.
ગૃહ વિભાગ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનાં આદેશો છૂટતાં રાજકોટમાં પણ તેની અમલવારી થઇ રહી છે. જેના ભાગરૂપે આ અગાઉ જંગલેશ્વર, જામનગર રોડ પરના હુડકો ક્વાર્ટર અને નાણાવટી ચોક નજીક આવેલા નામચીન શખ્સોનાં મકાન અને ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતાં.
જ્યારે આજે પ્ર.નગર પોલીસે બૂટલેગર નાઝીર ઉર્ફે મુન્નો ઠાસરિયાની ગિરનાર સિનેમાના ખાંચામાં આવેલી બે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. આ વખતે ઝોન-૨ના ડીસીપી, એસીપી અને પ્ર.નગર પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ ઉપરાંત મનપા અને પીજીવીસીએલની ટીમો પણ હાજર રહી હતી.
પ્ર.નગરના પીઆઈ વસાવાએ જણાવ્યું કે નાઝીર ઉર્ફે મુન્ના સામે દારૂ સહિતના અડધો ડઝન ગુના નોંધાયા છે. તેણે બે ગેરકાયદે ઓરડી બનાવી તેને ભાડે આપી દીધાની માહિતી મળી હતી. જેના આધારે આ ઓરડીઓ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. બંને ઓરડીઓમાં ગેરકાયદે વીજ કનેકશન પણ હતા. જે પીજીવીસીએલની ટીમોએ કાપી નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં આગામી દિવસોમાં વધુ અસામાજિક તત્વોના ગેરકાયદે મકાનો અને ઓરડીઓ ઉપર બુલડોઝર ફરી વળશે તેવી માહિતી મળી છે. આ માટેની પ્રક્રિયા હાલ પોલીસ અને મનપા દ્વારા કરવામાં આવી રહી છે.