– નવાગામ આણંદપરના રાજારામ ઈન્ડ. એરિયામાં ભારે નાસભાગ
– માધાપર-ગોંડલ ચોક સુધી આગના ધુમાડા દેખાયા, કેમિકલ ભરેલાં કેરબાં ધડાકા સાથે ફાટયા, ફાયર એનઓસી ન્હોતું
રાજકોટ : રાજકોટમાં સરકારી તંત્ર અને મહાપાલિકાની ઘોર બેદરકારી, ઉપેક્ષાના પગલે ભીષણ આગનો સિલસિલો શરુ થયો છે. મે-૨૦૨૪માં ગુજરાતના સૌથી દર્દનાક રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ પછી પણ કોઈ સુધારો નથી થયો અને તાજતરમાં જ કે.બી.ઝેડ ફૂડ ઈન્ડિયા લિ.માં ભીષણ આગ પછી આજે વધુ રાજકોટના કુવાડવા રોડ પર નવાગામ(આણંદપર) ખાતે રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં આવેલ સાબુ વગેરેના કેમીકલ બનાવતા અને અત્યંત જ્વલનશીલ પદાર્થો સ્ટોર કરતા કારખાના જે.કે.કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રચંડ આગ ભભુકી ઉઠી હતી. કે.બી.ઝેડ પછી આ આગનું પણ કારણ રહસ્યમય અર્થાત્ અનજાન રહ્યુ છે.
ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર બપોરે ૧૨-૧૦ વાગ્યે દિપન જયંતિલાલ નડીયાપરાની માલિકાના જે.કે.કોટેજ ઈન્ડસ્ટ્રીઝ નામના કારકાનામાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયરબ્રિગેડના ડેપ્યુટી સીએફઓ અશોકસિંહ બી.ઝાલા તથા જોબન,ગઢવી, ચાંયા સહિતનો સ્ટાફ ૭ ફાયર ફાયટરો સાથે સ્થળ પર ધસી ગયો હતો. આગ ક્ષણવારમાં જ એટલું વિકરાળ રૂપ લીધું હતું કે તેના ધુમાડાના ગોટેગોટા પાંચ-સાત કિ.મી.દૂર માધાપર ચોક,ગોંડલ ચોકથી દેખાતા હતા. આગ કેસ્ટર ઓઈલમાં લાગી હતી અને સાબુ બનાવવાના કેમીકલ ઉપરાંત પાઈન ઓઈલ, ફ્લેગનન્સી સુગંધી કેમીકલથી આગ ચોતરફ ફેલાવા લાગી હતી.તાત્કાલિક મેજર કોલ જાહેર કરીને તમામ ફાયર સ્ટેશનના સ્ટાફને સ્થળ પર ફાયર ફાઈટર્સ સાથે બોલાવી લેવાયા હતા.
આગથી સળગેલા કેમીકલ ભરેલા કેરબા ધડાકાભેર ફાટયા હતા અને રસ્તા પર જ્યાં આ કેમીકલ ઢોળાયું ત્યાં પણ આગના લપકારા નજરે પડતા આજુબાજુના વિસ્તારમાં ભય ફેલાવા સાથે નાસભાગ મચી હતી. કારખાના સામે વંડામાં રાખેલ ગૌમાતાને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી.
ઘટનાસ્થળે ફાયરબ્રિગેડે પુછપરછ કરતા આ કારખાનાને ફાયર એન.ઓ.સી.લેવાનો નિયમ નથી તેથી લેવાયેલ નથી. આગ બુઝાવવા ૫થી ૭ ફાયર એક્સટીંગ્યુશર બાટલા હતા પરંતુ, તે પણ આગમાં સળગી ગયા હતા. જે પરથી આગ કેટલી વિકરાળ હતી તેનો અંદાજ આવે છ. કોમ્પ્યુટર,ફાઈલો,બીલો તેમજ હોન્ડા ડીલક્સ અને જ્યુપીટર બ્રાન્ડના બે વાહનો સળગી ગયાનું જણાવાયું છે.
આગ લાગી ત્યાં ૬૬ કેવી ઈલેક્ટ્રીક લાઈન પસાર થતી હતી અને પી.જી.વી.સી.એલ.ને જાણ કરાતા તેનો સ્ટાફ તો સ્થળ પર આવી ગયો હતો પરંતુ, આ ઈલેક્ટ્રીક લાઈન બંધ કરાવવામાં થોડો સમય ગયો હતો અને એ દરમિયાન ફાયરબ્રિગેડ આગ ન બુઝાવે તો ચોતરફ ફેલાવાનું જોખમ ધ્યાને લઈને આગ બુઝાવતા ફોમ અને પાણીનો મારો ચલાવીને જોખમ સાથે કાર્યવાહી કરાઈ હતી જેમાં વિજય જેસર નામના એક ફાયરમેનને પગમાં ઈજા થતા હોસ્પિટલે લઈ જવાયેલ છે. સાતેક કલાક બાદ આગ માંડ કાબુમાં આવી હતી.
ગંભીર વાત એ છે કે અગાઉની જેમ આ આગનું પણ કારણ બહાર આવ્યું નથી.કારખાનામાં કોઈને ઈજા પહોંચી નથી તેથી પોલીસ કેસ થયો નથી.