![]()
આઉટસોર્સિંગ સર્વિસ પર ટેક્સ લગાડવા સેનેટમાં બિલ રજૂ થયું
અમેરિકાની સોફ્ટવેર સર્વિસમાં ભારતીય કંપનીઓનો અડધાથી વધુ હિસ્સો : વર્ષે ૨૨૫ અબજ ડોલરની નિકાસ
નવી દિલ્હી: અમેરિકાની સેનેટમાં હોલ્ટિંગ ઈન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ (હાયર) એક્ટ માટે પ્રસ્તાવ રજૂ થયો છે. એમાં આઉટસોર્સિંગ સર્વિસ ઉપર ૨૫ ટકા ટેક્સ લગાડવાની ભલામણ થઈ છે. જો એ બિલ પસાર થઈ જશે તો ભારતની આઈટી કંપનીઓને મોટો ફટકો પડશે. ભારતની આઈટી કંપનીઓ અમેરિકન કંપનીઓને મોટાપાયે સોફ્ટવેરનું આઉટસોર્સિંગ કરે છે. એ કંપનીઓને કરોડો ડોલરનો ટેક્સ અમેરિકન સરકારને ચૂકવવો પડશે.
અમેરિકન સેનેટર બર્ની મોરેનોએ હાયર એક્ટનું બિલ રજૂ કર્યું છે. એમાં દલીલ થઈ છે કે અમેરિકન યુવાનોને નોકરી મળતી નથી, કારણ કે અમેરિકન કંપનીઓ સર્વિસનું આઉટસોર્સિંગ કરાવી લે છે. અમેરિકન કંપનીઓને આ આઉટસોર્સિંગ સસ્તું પડે છે એટલે એ કંપનીઓ યુવાનોને નોકરી આપતી નથી. જો સર્વિસના આઉટસોર્સિંગ પર ટેક્સ લાગશે તો એનું પ્રમાણ ઘટશે અને સ્થાનિક સ્તરે નોકરીઓનું સર્જન થશે. જો આઉટસોર્સિંગ શરૂ રહેશે તો પણ એ રકમથી અમેરિકન મધ્યમવર્ગનું ભવિષ્ય સુરક્ષિત બનશે. આ દલીલ સાથે બિલ સેનેટમાં રજૂ થયું છે.
ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીના ઓહાયોના સેનેટર બર્ની મોરેનોના બિલમાં જે પ્રસ્તાવ છે એ પ્રમાણે અમેરિકાની બહારથી કોઈ પણ વિદેશી વ્યક્તિ કે કંપની પાસેથી સર્વિસ મેળવી હોય તો એના બદલામાં ૨૫ ટકા ટેક્સ આપવાનો થશે. વિદેશમાં કોઈ પણ સર્વિસ માટે ફી, રોયલ્ટી ચૂકવતી કંપનીઓએ એ રકમ આપવાની થશે. સત્તાધારી પાર્ટીના સેનેટરે રજૂ કરેલું બિલ પસાર થઈ જાય એવી પૂરી શક્યતા છે. જો નવો એક્ટ લાગુ પડશે તો તે હિસાબે અમેરિકન કંપનીઓ ભારતમાંથી સર્વિસ આઉટસોર્સ કરે તો એ રકમ તેમણે ચૂકવવાની થાય. એની સામે એ કંપનીઓ ભારતીય કંપનીઓને મળતું વળતર ઘટાડે. સરવાળે ભારતીય કંપનીઓને જ મોટું નુકસાન થાય.
બધી જ વિદેશી કંપનીઓને આની અસર થશે. પરંતુ ભારતને સવિશેષ થશે. કારણ કે ભારતની આઈટી કંપનીઓનો અમેરિકન કંપનીઓ સાથે મોટાપાયે બિઝનેસ જોડાયેલો છે. અમેરિકન સોફ્ટવેરમાં ભારતીય આઈટી કંપનીઓનો હિસ્સો અડધાથી વધુ છે. એટલે કે સોફ્ટવેર મેકર કંપનીઓ ભારતમાંથી એની સર્વિસ મેળવે છે. ભારત-અમેરિકા વચ્ચે આઈટીના આઉટસોર્સિંગનો એ વાતે અંદાજ લગાવી શકાય કે એક વર્ષમાં ભારતીય કંપનીઓ ૨૨૫ અબજ ડોલરની આઈટી સેવાઓ એક્સપોર્ટ કરે છે. જો બિલ પસાર થઈ જશે તો આ વિશાળ બિઝનેસ પર ગંભીર અસર પડશે.










